PM મોદી ફરીવાર સત્તામાં આવશે કે નહીં? ચીનના સરકારી મીડિયાએ કરી ભવિષ્યવાણી

ચીનના સરકારી મીડિયાએ લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજીવાર BJPના સત્તામાં આવવાની ભવિષ્યવાણી કરી છે. ચીન સરકારના મુખપત્ર મનાતા ગ્લોબલ ટાઈમ્સે કહ્યું હતું કે, PM મોદીના રાજકીય પગલાંઓ આગળ હાલ ભારતના કોઈ નેતા નથી. BJPનું સંગઠન વિપક્ષ કરતા સારું છે, આથી તેના પાછા આવવાની સંભાવના છે.

ગ્લોબલ ટાઈમ્સના એક આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 11 એપ્રિલથી ચૂંટણી થઈ રહી છે અને સૌની નજર 23 મે એટલે કે પરિણામોના દિવસ પર ટકી છે. ચૂંટણીમાં એ વાતની સૌને આશા છે કે, PM નરેન્દ્ર મોદીનો પક્ષ BJP સંસદમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરશે. PM નરેન્દ્ર મોદીના રાજકીય કદ જેવો કોઈ નેતા નથી. BJPની ફંડિંગ શક્તિ અને સંગઠનની તાકાત વિપક્ષ કરતા વધુ સારી છે. એવામાં લાગી રહ્યું છે કે, PM મોદી ફરી સત્તામાં આવશે.

મોદીનો કૂટનીતિનો વારસો ચાલુ રહેવો જોઈએ, ચૂંટણી પરિણામો ભલે જે હોય, શિર્ષક સાથે લખવામાં આવેલા આ આર્ટિકલમાં PM મોદીના દુનિયાના દેશો સાથે કરવામાં આવેલા કૂટનીતિના પ્રયાસોના વખાણ કરવામાં આવ્યા છે. એવામાં PM મોદીને વ્યવહારિક નેતા ગણાવતા સાર્ક અને ચીનની સાથે સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો માટે મોદીના વખાણ કરવામાં આવ્યા છે.

તે સાથે જ PM મોદી અને શી જિનપિંગની ગત વર્ષે વુહાનમાં અનૌપચારિક વાતચીતનો વિશેષ ઉલ્લેખ કરતા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ચૂંટણીના પરિણામો ભલે જે આવે, પરંતુ ભારત અને ચીનની વચ્ચે રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધ પ્રગાઢ હોવા જોઈએ.