PM મોદીની બાયોપિકથી BJPને થશે ફાયદો, ચૂંટણી પંચે SCને 17 પુરાવા આપ્યા

ndtv.com

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર બનેલી ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ ની રીલિઝ ચૂંટણી દરમિયાન ટાળવા માટે સુપ્રીમ કોર્ટને 17 પુરાવા આપ્યાં છે જેનો ઉપયોગ ફિલ્મ દરમિયાન કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર, આ લાઇન્સમાં ‘ ગજબકા ઝનુન હૈ ઇસકી આંખો મેં’ અને રાષ્ટ્રવાદ હી મેરી સંપત્તિ હે જેવી લાઇનો સામેલ છે.

‘PM નરેન્દ્ર મોદી’ જોયા બાદ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને બતાવ્યું છે કે આ ફિલ્મ માત્ર એક બાયોપિક નથી, પરંતુ એમાં એવા ડાયલોગ અને સિમ્બોલ છે જે એક જનપ્રતિનિધિની પ્રશંસા કરે છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણી દરમિયાન આ ફિલ્મની રીલિઝને મંજૂરી આપવાથી એક પાર્ટી વિશેષને ફાયદો થઇ શકે છે. પંચના અધિકારીઓએ 17 એપ્રિલને આ ફિલ્મ જોયા બાદ એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

‘PM નરેન્દ્ર મોદી’ ની રીલિઝ લંબાવાના ચૂંટણી પંચના નિર્દેશ સામે ફિલ્મના ચાર નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની રીલિઝ પર 10 એપ્રિલે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સંપન્ના થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ આ ફિલ્મના ચાર નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટ જઇને પંચના નિર્ણયને અભિવ્યક્તિની આઝાદીનો ભંગ ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલના રોજ ચૂંટણી પંચને નિર્દેશ કર્યો હતો કે પંચના અધિકારી પહેલા આ ફિલ્મને જોઇ લે અને ત્યારબાદ એક રિપોર્ટ આપે. આના માટે આયોગે 22 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટ હવે 26 એપ્રિલના રોજ સુનાવણી કરશે.