IPLના બહાને PMનો કોંગ્રેસ પર વાર, આ ભાગનારી સરકાર નથી, મોદી છાતી ફુલાવીને જાય છે

લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કરૌલીમાં IPLના બહાને પૂર્વની UPA સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે અગાઉની સરકારોમાં તહેવાર દરમિયાન સુરક્ષા કારણોનો હવાલો આપીને IPLને અન્ય દેશોમાં શિફ્ટ કરી દેવામાં આવતી હતી, પરંતુ હવે એવું નથી થતું. PM મોદીએ કહ્યું કે, પહેલા પૂંછડી દબાવીને ભાગનારી સરકાર હતી પરંતુ હવે આ મોદી છાતી ફુલાવીને જાય છે.

PM મોદીએ રાજસ્થાનમાં એક ચૂંટણી સભા દરમિયાન પૂર્વની સરકાર પર હુમલો કરતા કહ્યું, 2009 અને 2014માં તેઓ બોલતા હતા કે ચૂંટણી છે, પોલીસ વ્યસ્ત છે એવામાં IPL ન કરાવી શકાય. પરંતુ આ વખતે ચૂંટણી પણ ચાલી રહી છે, નવરાત્ર થયા, રામનવમી થઈ, હનુમાન જયંતિ થઈ, રમજાન આવવાના છે અને IPL પણ ચાલી રહી છે. પહેલા પૂંછડી દબાવીને ભાગનારી સરકાર હતી જ્યારે આ મોદી છાતી ફુલાવીને જાય છે. IPL થશે, તમે ગોળી ચલાવશો તો મોદી ગોળો ચલાવશે.

PM મોદીએ કહ્યું કે, આજ સુધી બેવાર જ એવું થયું છે, જ્યારે IPL હિન્દુસ્તાનમાં ન રમાઈ હોય. તે 2009 અને 2014માં થયું હતું. ત્યારની સરકાર આતંકવાદીઓથી ધ્રૂજતી હતી. આતંકવાદ સામે લડવાનો તેમનામાં દમ નહોતો. ત્યારે તેમણે કહી દીધું કે, ચૂંટણીના કારણે અમે IPL નહીં કરીશું.

PM મોદીએ કોંગ્રેસ પર વ્યંગ કરતા કહ્યું હતું કે, જો કોંગ્રેસવાળા ભૂલથી પણ તમારે ત્યાં વોટ માગવા આવે તો તેમને એક નાનકડો રૂમાલ આપી દેજો અને કહેજો કે યાર રડો છો શા માટે, આ લો આંસું લૂંછવા કામ લાગશે. બધા જ કોંગ્રેસીઓ રડી રહ્યા છે કે મોદીએ આ કર્યું, મોદીએ પેલુ કર્યું.