CM રૂપાણીએ તાલુકા દીઠ 5 મોટા તળાવો આદર્શ જળસંચય તળાવ તરીકે વિકસાવવા સૂચન કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનને પુનઃ વેગવંતુ બનાવી મિશન મોડમાં જળસંચય કામો હાથ ધરવા ઉચ્ચસ્તરીય બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આ અભિયાનને વેગ આપવા તેમણે આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને તંત્રવાહકોને દિશા નિર્દેશ આપ્યા હતા. રાજ્યમાં તા. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ અભિયાન તહેત 13834 કામો 330 કરોડના ખર્ચે હાથ ધરાઈ રહ્યા છે.

14 હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્ય સાથે આ અભિયાન રાજ્યમાં ઉપાડવામાં આવ્યું છે. આ અભિયાન અન્વયે મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડીસીલ્ટીંગ, નવા તળાવ, નવા ચેકડેમ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, હયાત ચેકડેમની મરામત, નહેરોની મરામત અને જાળવણી, નદીઓને પુન:જીવિત કરવી વગેરે કામો હાથ ધરવાનું સઘન આયોજન રાજ્ય સરકારે આ વર્ષે પણ કર્યુ છે.

વિજય રૂપાણીએ આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ જળસંચયના કામોમાં 5 મોટા તળાવો આદર્શ જળસંચય તળાવ તરીકે વિકસાવવા પ્રેરક સુચન કર્યું હતું. અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ર088 કામો પુર્ણ થયા છે તથા 2988 કામો પ્રગતિ હેઠળ છે તેમ બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું. રાજ્યમાં સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળસ્તર ઊંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભું કરવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રીએ રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ જળસંચયના આઇ કેચિંગ કામો ત્વરાએ ઉપાડવા આહવાન કર્યું હતું. તેમણે અભિયાનના બાકી રહેલ કામો સત્વરે શરૂ કરી આગામી ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન ઘડી કાઢવા પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્ય મંત્રી પરબત પટેલ, જળસંચય અભિયાનના ભરત બોઘરા, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના સલાહકાર બી. એન. નવલાવાલા પાણી પુરવઠા અને વન પર્યાવરણ, જળસંપત્તિના વરિષ્ઠ સચિવો વગેરે જોડાયા હતા.