BJPની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા રવિ કિશનનું નામાંકન થઈ શકે છે રદ્દ, જાણો કારણ

ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભા સીટ પરથી જાણીતા ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન BJPની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. રવિ કિશન હાલ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને કારણે આ ઉમેદવાર પર જ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, રવિ કિશનને નોમિનેશન દરમિયાન પોતાની જે શૈક્ષણિક યોગ્યતા દર્શાવી છે, તે ગત લોકસભા ચૂંટણીના તેના નામાંકન પત્રમાં આપવામાં આવેલી તેની એફિડેવિટ કરતા અલગ છે. ગોરખપુરના નિર્વાચન અધિકારીને ફરિયાદ મળી છે કે, રવિ કિશને 2014માં લોકસભા ચૂંટણીમાં જૌનપુરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમાં તેણે પોતાની શૈક્ષણિક યોગ્યતા મુંબઈની રિઝવી કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી 1992-93માં B.Com પાસ દર્શાવી હતી.

જ્યારે હાલની લોકસભા ચૂંટણીમાં ભોજપુરી એક્ટરે ગોરખપુરથી જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, તેમાં તેણે પોતાનું શિક્ષણ વર્ષ 1990માં 12મું પાસ બતાવ્યું છે. જોકે, કોલેજ બંને ઉમેદવારી પત્રોમાં સરખી જ છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા હાલ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, ગોરખપુર BJPના પ્રભુત્વવાળી સીટ માનવામાં આવે છે. 1989થી લઈને 2018 સુધી કોઈપણ પાર્ટી BJPના આ કિલ્લાને ભેદી નથી શકી. જોકે, ગત વર્ષે યોજાયેલી ઉપચૂંટણીમાં BJPએ અહીં હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રવિ કિશન કરતા પહેલા સ્મૃતિ ઈરાનીને લઈને પણ ડિગ્રી વિવાદ થઈ ચુક્યો છે. 2019માં પોતાના ઉમેદવારી ફોર્મમાં સ્મૃતિ ઈરાનીએ પોતાના એજ્યુકેશનમાં દર્શાવ્યું છે કે તેમણે ઈન્ટરમીડિએટની પરીક્ષા પાસ કરી હતી અને કોલેજનું શિક્ષણ અધૂરું છોડી દીધું હતું. જ્યારે 2004માં તેમણે ચાંદની ચોકથી પોતાના નામાંકનમાં પોતાની શૈક્ષણિક યોગ્યતા સ્નાતક દર્શાવી હતી