આજના સમયમાં ધાર્મિક અને કૃષિ ક્ષેત્રે સરદાર પટેલના “ચરોતર પંથક”નું નામ અકબંધ રહ્યું છે…

કાળા કાળા નાગ જેવા રસ્તાની આજુબાજુ લીલી લીલી કુમાશ અકબંધ રાખી છે. હા હું એ જ ચરોતરની વાત કરું છું જેને સરદારની છાતી જાળવી રાખી છે…

મહી અને વાત્રક નદી વચ્ચેનો  પ્રદેશ ‘ચરોતર’ તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી  નીકળી, ખંભાતના અખાતને મળતી મહી નદી ચરોતરમાં જાણે જોબનવંતા બને છે અને વહેરાખાડી પાસે એક કિ.મી. જેટલા પહોળા પટમાં વિસ્તરે છે. ત્યારે તે ‘મહિસાગર’ તરીકે ઓળખાય છે. મહી નદી પર ખેડા જિલ્લાના વણાકબોરી ગામ પાસે વણાકબોરી સિંચાઈ યોજના બની છે. જેનો ૧,૮૬,૦૦૦ હેક્ટર જમીનને લાભ મળે છે.
તમાકુના ઉત્પાદનમાં ચરોતર ગુજરાતને ભારતમાં આંધ્રપ્રદેશ પછી બીજુ સ્થાન અપાવે છે. આણંદના લૂણેજ અને ખંભાતમાં તથા ખેડાના નવાગામ માંથી આપણને ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે.અહીં મુખ્યત્વે બીડી અને ડેરી ઉદ્યોગ વિકસ્યાં છે.

પીધા અમેં તો મહીસાગરના પાણી અને સીંચ્યા ચરોતરી ખેતરો ઉરે – ઉરે હે વિશ્વબંધુઓ અમે સરદાર સપૂતો છીએ ચરોતરે…

સોલંકી યુગનું શિવાલય ધરાવતું ગલતેશ્વર અને રણછોડરાયજીનું પ્રાચીન મંદિર ધરાવતું ડાકોર તથા સ્વામિનારાયણ ભગવાનનું મનોહર મંદિર ધરાવતું વડતાલ એ ચરોતરમાં આવેલ તીર્થસ્થાનો છે. અવધૂત શ્રેણીના મહાનસંત સંતરામ મહારાજ ગિરનારથી અહીં નડિયાદ સંવત ૧૮૭૨માં આવ્યાં સંવત ૧૮૮૭માં અહીં તેમને જીવતા સમાધી લીધી.સંતરામ મંદિર વિશ્વભરના ગુજરાતીઓનુ આસ્થાનું પ્રતિક છે.
મહેમદાવાદમાં આવેલ રોજારોજી નામનો પ્રસિદ્ધ રોજો મુસ્લિમોનું આસ્થા કેન્દ્ર છે. તથા વસોમાં પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે. બોરસદ, કરમસદ, વલ્લભ વિદ્યાનગર, ખંભાત, લુણેજ, કપડવંજ, ઉત્કંઠેશ્વર, ફાગવેલ, મહેમદાવાદ વગેરે અહીના જોવાલાયક સ્થળો છે. અહીંના ખેડા જિલ્લાના રૈયાલી માંથી સમગ્ર વિશ્વમાં ડાયનાસોરનાં ઈંડા પહેલીવાર મળ્યા હતાં.તથા લસુંદ્રામાં ગરમ પાણીના ઝરા આવેલ છે.
પ્રાચીન સમયમાં આણંદ જિલ્લાનું ખંભાત ગોમેદ અને અકીકના ઘરેણાંના ઉત્પાદન માટે પ્રસિદ્ધ હતું.  તે રેશમ, છીટ અને સોનાના પદાર્થનું ઉત્પાદન કરતું પ્રખ્યાત બંદર હતું. સમય જતાં અહીંના સમુદ્ર માર્ગમાં કાંપ જામી જવાના કારણે પછીથી આ જળમાર્ગ કઠિન બનતો ગયેલ. ઐતિહાસિક તવારિખ દાંડીકૂચ માટેનો ગાંધીજીની પદયાત્રા માર્ગ અહીંથી પસાર થાય છે જેનું રાષ્ટ્રપ્રેમી ગુજરાતી પ્રજાને મન અનોખું મહત્વ છે.
સ્વતંત્ર ભારતના શિલ્પી અને પ્રથમ ગૃહમંત્રી એ પણ આ ચરોતર ભુમિની દેન છે. ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ના દિવસે નડિયાદમાં જન્મેલ સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના એકીકરણ અને દ્રઢ મનોબળ માટે વિશ્વભરમાં પ્રખ્યાત થયા. તથા લોખંડી પુરુષ તરીકે તેઓ જગતભરમાં ઓળખાય છે. ત્યારે ચરોતર ગુજરાતનું જ નહીં પણ વિશ્વનું પણ નાનું એવું મોતી છે એવુ અનુભવાય છે.
ઇ.સ. ૧૯૪૬માં સરદાર  પટેલના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલ ‘ અમૂલ ડેરી ‘ એશિયાની મોટામાં મોટી ડેરી છે. દૂધ માટે અમૂલ વિશ્વના ખૂણે ખૂણે ગુંજતુ નામ છે.  વિશ્વમાં ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ નું મુખ્ય મથક અહીં છે. સરદારની દ્રષ્ટિ અને ભાઈલાલ પટેલની વ્યવસ્થાશક્તિના પરિણામે વિકસેલું વિદ્યાધામ વલ્લભ વિદ્યાનગરમાં સમગ્ર દેશ ભારતમાંથી અને વિદેશી વિદ્યાર્થીઓ પણ વિદ્યા પ્રાપ્ત કરી રહ્યાં છે. આ રીતે ચરોતર શિક્ષણ માટે પણ જગતમાં નામ ધરાવે છે. પંડિતયુગના પુરોધા ગોવર્ધનરામ ત્રિપાઠી, અભેદ માર્ગના પ્રવાસી મણિલાલ નભુભાઈ, યશવંત શુક્લ, બકુલ ત્રિપાઠી, જેવા ઉત્તમ સાહિત્યકારો ચરોતરની ભુમિની દેન છે.
અહીં ધાણીની જેમ ફૂટતી ગુજરાતી ભાષા ચરોતરી ભાષા બોલાય છે. ઉત્સાહી, નિપુણ અને આનંદી ચરોતરી પ્રજા દેશ વિદેશમાં પોતાની કાર્યક્ષમતા માટે નામના ધરાવે છે. ચરોતરની પ્રજા વિશ્વભરમાં ફરતી અને મુકામ બનાવી આવાસ ધરાવતી  સાહસી પ્રજા છે. ચરોતર એ NRI પબ્લિક માટેનું હબ છે, તેઓ   વિદેશની ભૂમી પર કમાઈને વતનમાં દાનનો ધોધ અવિરત વહાવે છે .
  • એકતા ઠાકર : આચાર્યશ્રી, બામણગામ પ્રાથમિક કન્યા શાળા – તાલુકો : આંકલાવ, જિલ્લો : આણંદ