5 વર્ષમાં પશ્ચિમ બંગાળના CM મમતાના ભત્રીજા અભિષેકની સંપત્તિમાં 3 ગણો વધારો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે. ડાયમંડ હાર્બર સીટ પરથી TMCના સાંસદ અભિષેક બેનર્જી બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. 2014માં પોતાની પહેલી ચૂંટણી દરમિયાન અભિષેકે પોતાની સંપત્તિ 23.57 લાખ દર્શાવી હતી. આ વખતે એટલે કે 2019માં અભિષેકે પોતાની એફિડેવિટમાં પોતાની સંપત્તિ 71.4 લાખ રૂપિયા દર્શાવી છે.

અભિષેક બેનર્જી તરફથી આપવામાં આવેલા સોગંદનામા અનુસાર, તેની પાસે 30 ગ્રામ સોનુ છે, જેની કિંમત 96 હજાર રૂપિયા છે અને 40 ગ્રામ ચાંદી છે, જેની કિંમત 1500 રૂપિયા છે. સોગંદનામા અનુસાર, અભિષેકની પત્ની તેના કરતા વધુ ધનવાન છે. પત્ની રુજિરા બેનર્જીની પાસે 1.5 કરોડની સંપત્તિ છે. તેની પાસે 658 ગ્રામ સોનુ, 2.3 કિલો ચાંદી અને અન્ય જેમ્સ સ્ટોન્સ છે, જેની કિંમત આશરે 22 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે 3 લાખ રૂપિયાનું પેઈન્ટિંગ પણ છે.

સોગંદનામામાં અભિષેક બેનર્જીએ 30B હરીશ ચેટર્જી સ્ટ્રીયને પોતાનું ગણાવ્યું છે, જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પણ એડ્રેસ છે. જોકે, અભિષેક ત્યાં નિયમિતરીતે નથી રહેતો. અભિષેકની પાસે કોઈ કોમર્શિયલ કે રેસિડેન્સિયલ આવાસ નથી. તેની સાથે જ અભિષેક પર કોઈ આપરાધિક મામલો પણ નથી.

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની ઓળખ TMCની બીજી પેઢીના નેતાઓમાંથી એક છે. લોકસભા ચૂંટણીમાં તે પાર્ટીના સ્ટાર પ્રચારક છે અને પોતાની પાર્ટી માટે પ્રચાર પણ કરી રહ્યા છે. વિપક્ષી દળ અભિષેકના માધ્યમથી મમતા પર ઘણીવાર આરોપ લગાવી ચુક્યા છે.