Charotar Sandesh
ગુજરાત

‘નમસ્તે ટ્રમ્પ’ સુપરહિટ : આતંકને નાબૂદ કરવાનો સંકલ્પ…

‘નમસ્તે ટ્રમ્પ-નમસ્તે ટ્રમ્પ’ ના નારા સાથે ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ…

અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદનો સામનો કરવા અમેરિકા ભારતને તમામ હથિયારો-મિસાઇલ સહિત તમામ પ્રકારની મદદ કરશે એવી ખાતરી આપીને આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે કહ્યું હતું કે અમેરિકાનું લક્ષ્ય પણ આતંકવાદનો જડમૂળથી ખાત્મો છે તેથી ભારત અને અમેરિકા ઈસ્લામિક કટ્ટરવાદ વિરૂદ્ધ એકજૂટ થઈને લડવા કટિબધ્ધ છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમસ્તે ટ્રમ્પ કહીને મોંઘેરા મહેમાનને આવકાર્યા હતા અને કહ્યું હતું કે ટ્રમ્પના આ પ્રવાસથી ભારત અને અમેરિકાની મિત્રતા ગાઢ બની છે. અને બન્ને દેશો વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરશે. બન્ને મહાનુભાવોએ પોતાના સંબોધનમાં એકબીજીના ભરપેટ વખાણ પણ કર્યા હતા.
વિશ્વની સૌથી જુની લોકશાહી ધરાવનાર દેશ અમેરિકાના સુપરપાવર સત્તા ધરાવનાર પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આજે ૨૪ ફેબ્રુઆરીએ ગાંધીના ગુજરાતની પાવન ધરતી પર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાવ વિભોર મિલન થયું હતું. અમદાવાદ એરપોર્ટ પર મોદી દ્વારા પ્રોટોકોલ એક બાજુએ મૂકીને પોતાના મિત્ર ટ્રમ્પને ઉમળકાભેર, ઉષ્માસભર રીતે આવકારતાં ભારત-અમેરિકાના ઇતિહાસમાં એક નવા અધ્યાયનો ઉમેરો થયો હતો. તે સાથે જ ટ્રમ્પની બે દિવસિય ભારત યાત્રાનો પણ પ્રારંભ થયો હતો.
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમની મુલાકાત, ચરખા કાંતણ અને વીઝીટર બુકમાં ગાંધીજીના નામે નહીં પણ સૌને નવાઇ પમાડે તેમ મોદીનો આભાર માનતો તેમના નામનો સંદેશો લખીને ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ત્યાં બે દેશો વચ્ચેના સંબંધો પર ભાર મૂકીને અત્રેથી આગરા જવા રવાના થયા હતા. ગુજરાતની તેમની આ મુલાકાત અનેક રીતે બન્ને દેશો માટે ઔતિહાસિક અને યાદગાર બની રહી હતી. દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રંમ શાંતપૂર્ણ રીતે સંપન્ન થતા સુરક્ષા એજન્સીઓએ હાશકારો અનુભવ્યો હતો. બન્ને મહાનુભાવોએ સુરક્ષાના કારણોસર સ્ટેડિયમની વચ્ચોવચ્ચ બુલેટપ્રુફ કાચની કેબિનમાંથી સંબોધન કર્યું હતું.
મોટેરા સ્ટેડિયમમાં ચોરેબાજુ હકડેઠઠ લાખોની જનમેદનીને જોઇને રોમાંચિત બનેલા ટ્રમ્પે પોતાનું સંબોધન નમસ્તે બોલીને કરતાં લોકો પણ ખૂશ થયા હતા.
ટ્રમ્પે ભારતના વિકાસ અને વડાપ્રધાન મોદીની પ્રસંશા કરતાં કહ્યું કે મિ.પીએમ મોદી તમે માત્ર ગુજરાતનું ગૌરવ નથી, પરંતુ તમે મહેનત અને સમર્પણનો જીવતું જાગતુ ઉદાહરણ છે. ભારતીય ઈચ્છે તે અવશ્ય કરી શકે છે. મોદી રાજનીતિ પહેલા ચા વેચતા હતા. તેમને દરેક જણ પસંદ કરે છે, પરંતુ આ મુશ્કેલ કામ છે. આજે વડાપ્રધાન મોદી ભારતના મુખ્ય નેતા છે. ગત વર્ષે ૬૦ કરોડથી વધુ લોકોએ ઁસ્ મોદીને મત આપ્યો અને સૌથી મોટી ચૂંટણીમાં જીત મેળવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવતીકાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરીશ, જેમાં અમે ઘણા બધી ડીલ પર વાત કરીશું. ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, અમે ટૂંક સમયમાં ભારતને આતંકવાદનો સામનો કરવા સૌથી ખતરનાક મિસાઇલો અને શસ્ત્રો આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આતંકવાદ સામે અમેરિકા અને ભારત બંને એક થઇને લડશે, અમેરિકા ઇસ્લામિક આતંકવાદ આઇએસઆઇએસ સામેની લડત લડી રહ્યું છે. આપણા દેશો ઇસ્લામિક આતંકવાદનો ભોગ બન્યા છે, જેની સામે આપણે લડ્યા છે. યુ.એસ.એ તેની કાર્યવાહીમાં આઈએસઆઈએસનો અંત અને અલ-બગદાદીનો અંત કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે આતંક સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ, અમેરિકાએ પણ પાકિસ્તાન ઉપર દબાણ લાવ્યું છે અને પાકિસ્તાને આતંકવાદ સામે કાર્યવાહી કરવી પડશે, દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે ૫ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, આજે ભારત અમારું સ્વાગત કરે છે જે આપણા માટે આનંદની વાત છે. આજે આપણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. આજથી ભારત આપણો સૌથી મહત્વપૂર્ણ મિત્ર બનશે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે, દુનિયાભરના લોકો દિલવાલે દુલ્હનિયા લે જાયેગે(ડીડીએલજે) અને શાહરૂખ ખાન અને શોલેને ખૂબ પસંદ કરે છે. આ સાથે જ ટ્રમ્પે કહ્યું કે વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા વિશ્વભરના ક્રિકેટરોના ઘણા ચાહકો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પારંપારિક હોળી, દિવાળી જેવા તહેવારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ, જૈન, મુસ્લિમ, શીખ સહિતના અનેક ધર્મોના લોકો આજે ભારતમાં વસે છે, જ્યાં ડઝનેક ભાષાઓ બોલાય છે. તેમ છતાં, લોકો દેશમાં અહીં શક્તિની જેમ જીવે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકામાં વસતાં ભારતીય મૂળના અંદાજે ૪૦ લાખ લોકોએ ત્યાંના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો છે.
જ્યારે મોદીએ પોતાના મિત્રને ઉમળકાભેર આવકારતાં ત્રણ વખત ભારત માતા કી જય અને ત્રણ વખત નમસ્તે ટ્રમ્પ કહીને કહ્યું કે, ’નમસ્તેનો અર્થ ખૂબ ઉંડો છે. આપણે વ્યક્તિને જ નહીં પરંતુ તેની અંદર વ્યાપેલી દિવ્યતાને વંદન કરીએ છીએ. આ સમારોહ માટે હું ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાતમાં રહેતા અન્ય દેશવાસીઓનું અભિવાદ કરૂં છું.
તેમણે કહ્યું કે આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આજે આપણે ઇતિહાસનું પુનરાવર્તન પણ જોઈ રહ્યા છે. પાંચ મહિના પહેલાં મેં અમેરિકા યાત્રાની શરૂઆત હાઉડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રાની શરૂઆત ’નમસ્તે ટ્રમ્પ’થી કરી રહ્યા છે. આટલી લાંબી મુસાફરી પછી પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનો પરિવાર સીધો સાબરમતી આશ્રમ ગયા હતા. જે તેમની ગાંધી અને ભારત પ્રત્યેનો સંબંધ દર્શાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે ’આ મુલાકાતથી ભારત અમેરિકાનાં સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રથમ લેડી મેલેનિયા તમે બાળકોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છો તેનાથી સમાજમાં ઘણું પરિવર્તન કરી રહ્યા છે. ઇવાન્કા તમે ભારત આવ્યા ત્યારે કહ્યું હતું કે ’હું ફરીથી ભારત આવવા માંગું છું. પરંતુ આજે તમે ફરીથી પરત આવ્યા છો ત્યારે તમારૂં સ્વાગત છું
પીએમ મોદીએ જણાવ્યું કે ’આ ગાંધીની ધરતી છે પરંતુ અહીંયા આખા હિંદુસ્તાનનો ઉત્સાહ છે. આ બધાની વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, પ્રથમ લેડી મેલેનિયા, પુત્રી ઇવાન્કા અને તેમના જમાઇ જેરેડની ઉપસ્થિતિ ભારત અમેરિકાના સંબંધોને પરિવાર જેવી મીઠાસ અને ઘનિષ્ઠતાની ઓળખાણ આપે છે.પ્રેસિડેન્ટ ટ્રમ્પ તમે આ ભૂમિ પર છો જ્યાં ૫,૦૦૦ વર્ષ જૂનું પ્લાન્ડ સિટી ધોળાવીરા અને લોથલ સી પોર્ટ ઘડાયું હતું. તમે વિવિધતાસભર એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષા બોલવામાં આવે છે, પરિધાન છે. ખાનપાન છે અને પંથ અને સમુદાય છે. અમારી વિવિધતા અને તેમાં એકતા અને તેનો ઉત્સાહ ભારત-અમેરિકા વચ્ચેનો ઉત્સાહ છે.
ટ્રમ્પના ભાષણ પછી વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું હતું કે, ભારત-અમેરિકાની મિત્રતા વિશ્વાસના કારણે વધી છે. આ ઉપરાંત અહીં વડાપ્રધાન મોદીએ સરકારની સિદ્ધીઓ પણ ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતે ૧૫૦૦ જૂના કાયદા ખતમ કર્યા. ત્રણ તલાક પર નવો કાયદો પણ બનાવ્યો છે. ભારતમાં ડિજીટલ ઈકોનોમીનો વિસ્તાર થશે જેમાં અમેરિકા માટે રોકાણના અવસરો ખુલશે.
ભારતની મુલાકાત વખતે ટ્રમ્પે પોતાની મનગમતી લાલ રંગની ટાઇને બદલે આજે પીળા રંગની ટાઇ ધારણ કરી હતી.જ્યારેતેમના પત્ની મેલાનિયાએ સફેદ રંગનો જમ્પ સૂટ અને તેના ઉપર કાપડનો દુપટ્ટો બાંધ્યો હતો. એરપોર્ટ પર વિમનાની સીડીઓ પાસે જ મોદીએ ટ્રમ્પને પરંપરાગત ભેટીને આવકાર્યા હતા અને શ્રીમતી ટ્રમ્પ સાથે હસ્તધૂનન કરીને સ્વાગત કર્યું હતું. મેલાનિયાની બાજુમાં તેમના પુત્રી ઇવાન્કા ફ્રોકમાં નજરે પડ્યા હતા. એરપોર્ટ પર વિમાન નજીક ગાર્ડ ઓફ ઓનર માટે ત્રણેય સેનાના જવાનોની ટુકડીઓ હાજર રખાઇ હતી. પરંતુ તેમની આ મુલાકાત સત્તાવાર ન હોવાથી ગાર્ડ ઓફ ઓનરની કોઈ ઔપચારિક્તા હાથ ધરાઇ નહોતી. ગુજરાતી પરંપરા અનુસાર ઢોલ ત્રાંસા વગાડીને અને તરણેતરના મેળાની છત્રી સાથે અને માથે બેડા મૂકીને મહિલાઓ દ્વારા મોંઘેરા મહેમાનને આવકારવામાં આવ્યાં હતા. ૩ કલાક અમદાવાદનું રોકાણ પુરૂ કરીને તેઓ ખાસ વિમાનમાં તાજમહલ જોવા આગરા જવા રવાના થયા હતા. સમગ્ર કાર્યક્મ કોઇપણ પ્રકારના વિઘ્ન વગર પાર પડ્યો હતો.

Related posts

કોરોના બેકાબૂ : સુપ્રિમે ગુજરાત સહિત ત્રણ રાજ્યોને ફટકાર લગાવી…

Charotar Sandesh

કોરોના સંકટ જોતા રાજ્યમાં PI ની પરીક્ષાને કરવામાં આવી રદ્દ…

Charotar Sandesh

હાઇકોર્ટના જ્જ મુરલીધરનની એકાએક બદલીથી વિવાદ…

Charotar Sandesh