Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ

“દોસ્ત એક બે મુશ્કેલીને અહી પૂછે કોણ..? હું વારંવાર પડી ને ઊભો થનાર માણસ છું…”


ફ્રાન્સિસ બેકન કહે છે કે, ‘નિષ્ફળતાની ઈમારત બહાનાંના પાયા પર રચાતી હોય છે. સફળતાની ઈમારત પ્રયત્નોના પાયા પર રચાય છે.’


નિષ્ફળતા જીરવવાનું બહુ મુશ્કેલ હોય છે. સફળ વ્યક્તિઓનાં જીવનને ઉપરછલ્લી રીતે જોતાં એમ લાગે છે કે એમણે ઘણી નિષ્ફળતાઓ પછી સફળતા પ્રાપ્ત કરી છે,પરંતુ એ વાત સફળતા મેળવનાર વ્યક્તિઓની છે. જેમને ઉપરાઉપર બે કે ત્રણ નિષ્ફળતા મળે એમની હામ ભાંગી જાય છે. જીવનનાં તોફાનો સામે ઝઝૂમવાની એમની શક્તિ ઓછી થઈ જાય છે અને આવું જ્યારે યુવાન, બિનઅનુભવી વ્યક્તિના જીવનમાં બને છે ત્યારે તે નિરાશામાં સરી પડે છે. એમને જો કોઈ હૂંફ કે હિંમત આપનાર ન હોય તો ઘણીવાર એવાં યુવાન-યુવતીઓ જેનો ઈલાજ કરવાનું જટિલ હોય એવી ઉદાસી (ડિપ્રેશન)માં સરી પડે છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બે કે ત્રણ વાર નાપાસ થાય છે એમણે નવી પરીક્ષા માટે સારી તૈયારી કરી હોવા છતાં પરીક્ષા આવતાં જ એમની હામ ભાંગી જાય છે અને પરીક્ષા આપવાનું જ ટાળે છે. પરિણામે તેઓ ક્યારેય પાસ થઈ શકતાં નથી.

  • જો મને અમુક સવલતો મળી હોત તો હું આમ કરત.’ આ પ્રકારની કોરી કલ્પનાઓ કરનાર આત્મપ્રવંચના કરે છે…
નિષ્ફળતા સામે ટકી રહેવું બહુ જ મુશ્કેલ હોય છે. જ્યારે હું ગેલિલીયોનો વિચાર કરું છું. ત્યારે એ માણસની આત્મશક્તિથી આભો થઈ જાઉં છું.જે ગુના માટે ધર્મગુરુઓએ એમને જેલવાસની આકરી સજા કરી હતી એ ગુનો માત્ર એટલો હતો કે, એમણે એમ કહ્યું હતું કે સૂર્ય નહીં પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. એમના જેવો મજબૂત માણસ પણ ભાંગી પડયો હતો. એમણે કબૂલ કરવું પડયું હતું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી નથી. જોકે એ વાત ગેલિલીયો માનતા નહોતા. આ કબૂલાત પછી એમની સજાને હળવી કરીને ‘હાઉસ એરેસ્ટ’ એટલે કે ઘરમાં પુરાઈ રહેવાની નજરકેદની સજા કરવામાં આવી હતી.
આજના યુવાનોને હું ગેલિલીયોના જીવનનો અભ્યાસ કરવાની ભલામણ કરું છું, કારણ કે જીવનનો માર્ગ સીધી સડક જેવો નથી, ખાડા ટેકરાવાળો છે. દરેક વ્યક્તિને એ માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી. જેમને ઉદાસી કે આત્મઘાતના માર્ગે ન જવું હોય એમણે નિષ્ફળતા જીરવવાની શક્તિ કેળવતાં શીખવું જ પડશે.
પોતાની શક્તિઓનો સદુપયોગ મનુષ્યએ પોતે કરવો જોઈએ. બીજાના ભરોસે બેસી રહેવું નકામું છે. જો આપણે સ્વાવલંબી હોઈએ તો જ ભગવાનની સહાયતા માગવાનો અધિકાર મળે છે. ભગવાન તેને જ મદદ કરે છે જે પોતાની મદદ જાતે કરે છે. પોતાના પગ પર ઊભો રહીને જ માણસ ઉન્નતિ કરી શકે છે. પુરુષાર્થ મનુષ્યજીવનની પહેલી આવશ્યક્તા છે. તેના વિના કોઈપણ પ્રકારની ઉન્નતિ શક્ય નથી. સંઘર્ષ અને સફળતાનો આધાર પુરુષાર્થ જ છે.
જ્યારે આ એક સર્વસામાન્ય અને પાર પાડેલું તથ્ય છે કે કાર્ય કર્યા વિના ગતિ નથી, તો પછી માત્ર વિચારીને બેસી રહેવાનો શો અર્થ છે? જીવનમાં આપણે કમર કસીને કર્મક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. અધ્યયન, શિલ્પકળા, સાહિત્ય, સાધના વગેરે જે પણ કામ કરવા ઈચ્છતા હોઈએ તેમાં એકાગ્ર થઈ જવાની જરૂર છે. જો એકાગ્ર થઈને પુરુષાર્થ કરીશું તો સફળતા આપોઆપ ખેંચાતી આવશે.
  • જીવનમાં આગળ વધવા માટેના ત્રણ પાયા છે. (૧) દૃઢ પુરુષાર્થ (૨) દૃઢ સંકલ્પ (૩) સાહસ.
  • દૃઢ પુરુષાર્થ :
સફળતા હંમેશાં પુરુષપ્રયત્ન અને ઈશ્વરકૃપાથી પ્રાપ્ત થાય છે. આપણે અવિરતપણે પુરુષાર્થ કરીએ તો સફળતા અવશ્ય મળે જ છે. દીપક આ બાબતનો પુરાવો અર્પે છે. દીપક બળે છે, સંસારને પ્રકાશ આપે છે અને શ્રેય રૂપે સફળતા પ્રાપ્ત કરે છે. દીપકની આ સફળતાનું રહસ્ય એ જ છે કે તે પોતાના તેલ તથા દિવેટથી ધીમેધીમે બળે છે. તેનો પ્રકાશ ખરેખર તેની આ નિરંતરતા, જ્વલનશીલતાનો જ હોય છે જેની જ્યોત રૂપે દિવેટથી પ્રગટ કરે છે. દીપકનું કાર્ય બળવાનું છે. જે સમયે તે પોતાના કાર્યથી દૂર રહી નિષ્ક્રિય થઈ જાય છે, પ્રકાશરૂપી સફળતા તેનાથી દૂર જતી રહે છે…તે એક મૂલ્યહીન માટીના પાત્રથી વિશેષ કશું જ નથી રહેતો.
તેવી જ રીતે જે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમરૂપી તપમાં ખર્ચે છે, પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સમુચિત ઉપયોગ કરે છે, તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિયતા જ જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ. શ્રમથી દૂર રહીને આળસ અથવા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્યને જીવિત ન કહી શકાય. માટે હંમેશાં સફળતા પ્રાપ્ત કરવા ઉદ્યમશીલ બનવું જોઈએ.
  • દૃઢ સંકલ્પ :
આ મારો સંકલ્પ છે એનો એ અર્થ થયો કે, હું આ કાર્યમાં પ્રાણ, મન અને સમગ્ર શક્તિ સાથે સંલગ્ન થઈ રહ્યો છું. આ પ્રકારની વિચારણા-દૃઢતા એ સફળતાની જનની છે. જ્યારે મનુષ્યનું સંકલ્પબળ જાગ્રત હોય જ આ સંભવ છે. મહાત્મા ગાંધી તો પ્રબળ ઈચ્છાશક્તિનું એક જીવતું-જાગતું ઉદાહરણ હતા. તેમની પાસે પ્રબળ, દૃઢ તથા પ્રખર ઈચ્છાશક્તિ સિવાય બીજા કયાં સાધન હતાં?
ન સેના, ન શસ્ત્ર અને ન સામ્રાજ્ય, તો પણ તેમણે પોતાની દૃઢ સંકલ્પશક્તિ-ઈચ્છાશક્તિના આધારે અંગ્રેજ સલ્તનત સામે ટક્કર લીધી. પ્રબળ ઈચ્છાશક્તિવાળો જે કામમાં હાથ નાંખે છે, તે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તેને છોડતો નથી. સંસારની સમસ્ત સફળતાઓનો મૂળ મંત્ર છે પ્રબળ ઈચ્છાશક્તિ. તેના બળે વિદ્યા, સંપત્તિ અને સાધનોનું ઉપાર્જન થાય છે.
  • સાહસ :
પોતાના ગુણને આધારે શ્રેયપથ પર આગળ વધનાર વ્યક્તિમાં જો નિર્ભયતાની ઊણપ હોય તો સમજી લેવું જોઈએ કે તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકશે નહીં. ડરપોક માણસમાં આગળ વધવાની હિંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કરતો રહેશે અને જે આવો શંકાશીલ હોય તેને ક્યારેય સફળતા મળતી નથી. સફળતા પ્રાપ્ત કરવા માટે સાહસ અવશ્ય ખેડવું જ પડે છે અને આપત્તિઓ સામે ઝઝૂમવું જ પડે છે. જે ઝઝૂમે છે તે વિજય મેળવી શકે છે. ઘણી વ્યક્તિઓનાં જીવનમાં સફળતા મળ્યા પછી નિષ્ફળતા મળે છે. આવું બને છે ત્યારે એમની સ્થિતિ ઝળહળતા પ્રકાશમાંથી અંધકારમાં ફેંકાઈ જનાર વ્યક્તિ જેવી થાય છે. કેટલાક ક્રિકેટરો આનું ઉદાહરણ છે. એકવાર જે લોકોને ખભા પર ઊંચકીને લોકો ફર્યા હોય એ જ લોકો એ ક્રિકેટરોને નિષ્ફળતા મળતા નીચે પટકી દેતા અચકાતા નથી. એવા પટકાઈ ગયેલા કેટલાક રમતવીરો વર્તમાનપત્રોમાં કોલમ લખીને અને નવા ખેલાડીઓની પ્રશંસા કે ટીકા કરીને પોતાના અસ્તિત્વની જાહેરાત કર્યા કરે છે. બીજા કેટલાક સરકારની કે સંસ્થાઓની મહેરબાનીથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. બાકીના અંધકારમાં ગરકાવ થઈ જાય છે. આવું જ સિનેમાના ક્ષેત્રમાં પણ બને છે.
  • કવિતા :
દોસ્ત એક બે મુશ્કેલીને અહી પૂછે કોણ?
હું વારંવાર પડી ને ઊભો થનાર માણસ છું.
મને તારું પશ્ચિમી અનુકરણ કદી ફાવશે નહિ,
હું વર્ષોથી સચવાયેલી સંસ્કૃતિનો વારસ છું.
મંદિર મસ્જિદ ગુરુદ્વારામાં અવિરત ચળકતો,
હું હિંદના પહાડોમાંથી તરાસાયેલો આરસ છું.
મને કોઈના બંધનમાં બંધાવું ક્યારે નહિ ફાવે?
હું સતત સળગી પ્રકાશ ફેલાવતો દિવસ છું.
સંજોગોની થપાટથી કઠોર થવું પડ્યું “સ્નેહદિલ”
હું, નહિતર તું જાણે છે નિર્દોષ ને નિખાલસ છું.
  • પિન્કેશ પટેલ – “કર્મશીલ ગુજરાત”

Related posts

रक्षा बंधन त्यौहार की उत्पत्ति के पीछे कई किंवदंतियाँ हैं : भगवान इंद्र और इंद्राणी से लेकर सिकंदर और पोरस तक

Charotar Sandesh

સરકારે વ્યાજખોરો પર લગામ નાથવા માટે વિધાનસભામાં બિલ પાસ કરવું જોઈએ ??

Charotar Sandesh

ગાંધીજી અને શિક્ષણ : “મહામારીના સંદર્ભમાં શિક્ષણ અંગેના ગાંધીજીના વિચારો…”

Charotar Sandesh