Charotar Sandesh
ઈન્ડિયા

દેશની તમામ સૈનિક શાળાઓમાં હવે છોકરીઓને પણ એડમિશન મળશે….

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે ૧૦ માર્ચના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી દેશભરની તમામ સૈન્ય શાળાઓમાં ગર્લ્સ કેડેટ્‌સને પણ પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. દેશમાં હાલ ૩૩ લશ્કરી શાળાઓ છે, જેમાં ફક્ત છોકરાઓ જ પ્રવેશ લઈ શકે છે. પરંતુ હવે છોકરીઓ પણ આ શૈક્ષણિક સત્રથી સૈન્ય શાળામાં પ્રવેશ લઈ શકશે. આ શાળાઓ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે, જે રક્ષા મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે. સૈનિક શાળાઓની સ્થાપનાનો હેતુ વિદ્યાર્થીઓને નાનપણથી જ ભારતીય સશસ્ત્ર દળમાં પ્રવેશ માટે તૈયાર કરવાનો છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાયકે લોકસભામાં જણાવ્યું કે, મિઝોરમની સૈનિક સ્કૂલ છંગછીમાં અકેડેમિક યર ૨૦૧૮-૧૯માં ગર્લ્સ કેડેટમાં પ્રવેશ માટેના પાયલટ પ્રોજેક્ટની સફળતા પછી સરકારે હવે વર્ષ ૨૦૨૧-૨૨માં આ નવું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું છે અને તેમાં છોકરાઓ અને છોકરીઓને બધી સૈન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યમંત્રીએ એવું પણ કહ્યું કે, સરકાર બિન-સરકારી સંગઠનો, પ્રાઇવેટ સ્કૂલ્સ અને રાજ્ય સરકારોની ભાગીદારીમાં દેશમાં સૈનિક શાળાઓની સ્થાપના માટે નવી યોજના લાવવાનો પ્રસ્તાવ રજૂ કરી રહી છે. રાજ્ય સરકારોની વિનંતીઓની પ્રાપ્તિ પર સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવે છે. અગાઉ લશ્કરી શાળાઓમાં ફક્ત છોકરાઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. રાજ્યમંત્રીએ લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, આગામી શૈક્ષણિક સત્રથી છોકરીઓ પણ તમામ સૈન્ય શાળાઓમાં પ્રવેશ લઈ શકશે.

Related posts

ભારતમાં કોરોનાના નવા કેસ ઘટીને ૧.૬૫ લાખ પર પહોંચ્યા : એક્ટિવ કેસ ૨૦ લાખની નજીક…

Charotar Sandesh

રાજસ્થાન સંકટ : સ્પીકરનો યુ ટર્ન, સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી…

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરના સોપોર એન્કાઉન્ટરમાં મુદસ્સિર પંડિત સહિત ૩ આતંકી ઠાર…

Charotar Sandesh