Charotar Sandesh
ગુજરાત

ટૂંકા સમય ગાળામાં રાજ્યમાં જિયો સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની…

અમદાવાદ : રિલાયન્સ જિયો સાડાચાર વર્ષથી પણ ઓછા સમયગાળામાં રાજ્યમાં સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની ગઈ છે અને કંપનીએ રાજ્યમાં સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડિસેમ્બર, ૨૦૨૦માં પૂર્ણ થયેલા મહિના માટે જાહેર કરેલા સબસ્ક્રાઇબરના આંકડા મુજબ જિયોએ ગુજરાતમાં ૩.૩૬ લાખ મોબાઇલ નંબર ઉમેર્યા હતા અને સર્કલમાં કુલ ૨.૫૪ કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની ગઈ હતી. રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર, ૨૦૧૬માં એની સેવાઓ શરૂ કરી હતી અને કંપનીએ ડિસેમ્બર, ૨૦૨૦ના અંત સુધીમાં સર્કલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું, એમ ટ્રાઇએ રિપોર્ટમાં જણાવ્યું છે. અહેવાલ કહે છે કે આશરે ૨૫ વર્ષ સુધી સર્કલમાં લીડર રહેલી વોડાફોન-આઇડિયાએ ડિસેમ્બર, ૨૦૨૦માં આશરે ૧.૬૨ લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા,
જેના પગલે કંપની એ કુલ ૨.૫૦ કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને સરકી ગઈ હતી. રિલાયન્સ અગાઉ જિયો રાજ્યમાં આવકની દ્રષ્ટિએ ૪૫ ટકા હિસ્સા સાથે સૌથી વધુ આવક કરતી ઓપરેટર અને સૌથી વધુ ૩૭.૫૧ ટકા ગ્રાહકો સાથે સૌથી મોટી ઓપરેટર બની ગઈ છે. જિયો ઉપરાંત ડિસેમ્બર, ૨૦૨૦માં એકમાત્ર એરટેલે રાજ્યમાં ૨.૨૫ લાખ સબસ્ક્રાઇબર ઉમેરીને પોઝિટિવ વૃદ્ધિ કરી હતી. ૧.૧૪ કરોડ ગ્રાહકો સાથે એરટેલ ૧૬.૮૮ ટકા ગ્રાહકો ધરાવે છે. સરકારી માલિકીની ટેલિકોમ કંપની બીએસએનએલએ આ ગાળામાં આશરે ૨.૨૦ લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા.
ડિસેમ્બર, ૨૦૨૦ના અંત સુધીમાં બીએસએનએલ સર્કલમાં ૫૮.૯૧ લાખ ગ્રાહકો સાથે ૮.૬૯ ટકા ગ્રાહકો ધરાવતી હતી. રાજ્યમાં ડિસેમ્બર, ૨૦૨૦માં મોબાઇલ સબસ્ક્રાઇબર્સનો આંકડો ૬.૭૭ કરોડ થયો છે. જિયો અને વોડાફાન આઇડિયા સંયુક્તપણે રાજ્યમાં કુલ સબસ્ક્રાઇબરમાં ૭૪.૪૨ ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે પણ ડિસેમ્બરમાં એરટેલ અને જિયોના નવા ગ્રાહકોમાં ચોખ્ખો વધારો થયો હતો. એમાં જિયોને ૪.૭૮ લાખ નવા ગ્રાહકો મળ્યા હતા, એમ અહેવાલ કહે છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ સોંપતાં અદાણીને પહેલાં ૨૨ કરોડનો ટેક્સ ભરવા નોટિસ…

Charotar Sandesh

અમદવાદમાં ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ તાળાબંધી…

Charotar Sandesh

શક્તિસિંહ અથવા ભરતસિંહ બંનેમાંથી એક લીલા તોરણે પાછા ફરશે તે નક્કી…

Charotar Sandesh