Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના નાપાડ ગામમાં ૩૧ માર્ચે થયેલી હત્યાનો ભેદ ઉકેલતી આણંદ રૂરલ તથા વાસદ પોલીસ

પત્નીએ જ પતિની હત્યા નિપજાવી પ્રેમી સાથે મળી લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાની કબૂલાત…

આણંદ : તાલુકાના નાપાડ ગામની સુલતાનપુરા સીમમાંથી ગત ૩૧મી માર્ચે માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરાયેલી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેનો પોલીસે તપાસ કરી ભેદ ઉકેલી નાંખતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિના માથામાં ધોકો મારી ગંભીર ઈજા કરી હત્યા કર્યા બાદ પત્ની અને પુત્રીએ લોહીના ડાઘાઓ દુર કરી તેમજ પત્ની અને તેના પ્રેમીએ ભેગા મળી લાશને પુરાવાનો નાશ કરવા માટે નાપાડ પાસે ફેંકી દીધી હોવાનું ખુલતા પોલીસે માતા, પુત્રી અને માતાના પ્રેમી સહિત ત્રણ જણા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મળતી વિગતો અનુસાર ૩૧મી તારીખના રોજ સાંજના સુમારે સુલતાનપુરા મોટી નહેરમાંથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે આણંદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને મરણ જનાર યુવક કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. દરમ્યાન ગત ૧૩મી તારીખના રોજ વાસદ પોલીસ મથકે એક ગૂમ થયાની જાણવા જોગ નોંધ દાખલ થઈ હતી. જે અંગે તપાસ કરતા સુલતાનપુરા નહેરમાંથી મળેલી લાશને મળતું વર્ણન આવતું હોય પોલીસે તુરંત જ વાસદ પોલીસનો સંપર્ક સાધીને ગુમ થયાની જાહેરાત આપનાર લીલાબેન મનુભાઈ પરમાર (રે. અડાસ, પરમાર ફળિયુ)ની તપાસ હાથ ધરી હતી અને લાશવાળો ફોટો બતાવીને ગુમ થનાર આ જ છે કે કેમ તે અંગે પુછપરછ કરી હતી પરંતુ તેણીએ ફોટો ઓળખવાનો ઈન્કાર કરી દીધો હતો.

બીજી તરફ પોલીસે લીલાબેન અને તેની પુત્રી તોરલની કોલ ડીટેલ્સ કઢાવીને તપાસ કરતા લીલાબેન ૩૦-૩૧મી તારીખના રોજ રાત્રીના સુમારે ઘણા કોલ મુકેશભાઈ ચંદુભાઈ પરમાર (રે. અડાસ)ને કર્યા હોવાનું બહાર આવ્યું હતુ. જેને લઈને શંકા મજબુત બનતાં પોલીસે લીલાબેન અને તોરલને ઉઠાવીને અલગ-અલગ પુછપરછ કરતાં તોરલે વટાણા વેરી નાંખ્યા હતા અને જણાવ્યું હતુ કે, ૩૦મી તારીખના રોજ રાત્રીના સુમારે મારા માતાપિતા વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં મારામારી પણ થઈ હતી. આ વિગતોને આધારે લીલાબેનની કડકાઈથી પુછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને તેણીએ જ પતિ મનુભાઈની હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મનુભાઈ પરમાર દારૂ પીવાની ટેવવાળો હતો અને અવાર-નવાર દારૂ પીને ઘરે આવીને પત્ની લીલાબેન સાથે ઝઘડા કરતો હતો. ગત ૩૦મી તારીખના રોજ મનુભાઈ દારૂ પીને આવી પત્ની લીલાબેન સાથે ઝઘડવા લાગ્યો હતો. જેમાં ઝપાઝપી થતાં લીલાબેને ધોકરણું માથામાં તેમજ મોઢાના ભાગે મારી દેતાં પતિ મનુભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડ્યો હતો. અને થોડીવારમાં જ શરીર ઠંડુ પડી ગયું હતુ અને ત્યાં જ મોતને ભેટ્યો હતો. જેથી લાશનો નિકાલ કરવા માટે પ્રેમી મુકેશભાઈ ચંદુભાઈ પરમારને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો અને ઘરના પાછલા દરવાજેથી લાશને નીચે ઉતારીને ઉંચકીને રોડ ઉપર લઈ ગયા બાદ કોઈને પણ શક ના જાય તે માટે ત્રીજો વ્યક્તિ બાઈક ઉપર બેઠો છે તેમ વચ્ચેના ભાગે લાશને બેસાડીને અડાસથી સુલતાનપુરા ડેરી પાસે થઈને નહેર પાસે ગયા હતા અને લાશને ફેંકીને ઘરે આવતા રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે લીલાબેન અને તેની પુત્રી તોરલે ઘરની પાછળની ઓસરીમાં જે જગ્યાએ મનુભાઈનું લોહી પડ્યું હતુ તે જગ્યાએ લીંપણ કરી નાંખ્યું હતુ અને પતિનું શર્ટ તેમજ ચપ્પલ ઘરના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં લઈ જઈને સળગાવી નાંખ્યું હતુ. આ કબુલાતના આધારે પોલીસે લીલાબેન મનુભાઈ પરમાર, તોરલબેન અને મુકેશભાઈ પરમારની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

  • Jignesh Patel, Anand

Related posts

મહોળેલ ગામના હિતેશકુમાર ચાવડાએ રાજીનીતિ શાસ્ત્ર વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી મહોળેલ ગામનું ગૌરવ વધાર્યું

Charotar Sandesh

વડોદરા : પાદરા ગામ નજીક રસ્તા ઉપર જતી યુવતીઓને હેરાન કરતો ઈસમ ઝડપાયો…

Charotar Sandesh

આણંદમાં મુદ્રા લોન યોજનાની સબસીડી પચાવવા બેન્ક મેનેજર અને એજન્ટ દ્વારા છેતરપિંડી

Charotar Sandesh