Charotar Sandesh
સ્પોર્ટ્સ

અશ્વિનની શાનદાર સદી, ભારતે ઈંગ્લેન્ડ સામે મૂક્યો ૪૮૨ રનનો વિશાળ લક્ષ્યાંક…

બીજી ટેસ્ટઃ ભારતે બીજી ઇનિંગ્સમાં ૨૮૬ રન કર્યા, કોહલીએ ૬૨ રન ફટકાર્યા…

ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડને ૩ વિકેટ ગુમાવી ૫૩ રન કર્યા, જીતવા માટે હજુ ૪૨૯ રનની જરૃર તો ભારત જીતથી ૭ વિકેટ દૂર…

ચેન્નાઇ : બોલિંગમાં તરખાટ મચાવ્યા બાદ રવિચંદ્રન અશ્વિને બેટિંગમાં પણ કમાલ કરીને ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની સ્થિતિ વધારે મજબૂત બનાવી દીધી છે. સ્ટાર બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા બાદ અશ્વિને અદ્દભુત બેટિંગ કરીને સદી ફટકારી હતી જેની મદદથી ભારતે પ્રવાસી ઈંગ્લેન્ડ ટીમ સામે ૪૮૨ રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો છે. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ ૧૩૪ રનમાં સમેટી લીધા બાદ બીજા દાવમાં ભારત ૨૮૬ રનમાં આઉટ થઈ ગયું હતું. અશ્વિને ૧૦૬ રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. અગાઉ ભારતે પ્રથમ દાવમાં ૩૨૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
૪૮૨ રનના વિશાળ રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડે બીજી ઇનિંગ્સમાં ત્રીજા દિવસના અંતે ત્રણ વિકેટ ગુમાવી ૫૩ રન કર્યા હતા. જેમાં લોવરેન્સ ૧૯ અને રુટ ૨ રને રમતમાં છે. બીજી ઇનિંગ્સમાં અક્ષર પટેલે બે તો અશ્વિનને ૧ સફળતા મળી હતી.
બીજા દાવમાં ભારતના સ્ટાર બેટ્‌સમેનો કોઈ કમાલ કરી શક્યા ન હતા ત્યારે અશ્વિને બાજી સંભાળી હતી અને સદી નોંધાવીને ઈંગ્લેન્ડ સામે વિશાળ લક્ષ્યાંક મૂકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે ભારતે ૧૦૬ રનમાં પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ લોકલ હિરો અશ્વિને એક છેડો જાળવી રાખ્યો હતો અને ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવ્યા હતા. અશ્વિને ૧૪૮ બોલનો સામનો કરતા ૧૦૬ રન નોંધાવ્યા હતા જેમાં ૧૪ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.
ભારતે સોમવારે મેચના ત્રીજા દિવસે એક વિકેટે ૫૪ રનના સ્કોરે પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો. પરંતુ દિવસની શરૂઆતમાં જ ભારતે ચેતેશ્વર પૂજારાની વિકેટ ગુમાવી દીધી હતી. પૂજારા સાત રન નોંધાવીને રન આઉટ થયો હતો. હજી ભારત આ ઝટકામાંથી બહાર આવે તે અગાઉ ઓપનર રોહિત શર્મા આઉટ થયો હતો. તેણે ૨૬ રન નોંધાવ્યા હતા. ભારતે દિવસની શરૂઆતમાં એક જ રનમાં આ બંને મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રિશભ પંત ૮, અજિંક્ય રહાણે ૧૦ અને અક્ષર પટેલ ૭ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ ૬૨ રન નોંધાવ્યા હતા અને તેણે અશ્વિન સાથે ૯૬ રનની ભાગીદારી નોંધાવી હતી.
બીજા દાવમાં ઈંગ્લેન્ડ માટે સ્પિનર્સે અદ્દભુત પ્રદર્શન કર્યું હતું. ચેન્નઈની પિચ સ્પિનર્સ માટે મદદરૂપ સાબિત થઈ છે તેવામાં ઈંગ્લેન્ડનો સઘળો મદાર સ્પિનર પર જ હતો. ઈંગ્લેન્ડે તેના સ્ટાર ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ પાસે ફક્ત ૯ ઓવર જ કરાવી હતી. જેક લીચે ૩૩ ઓવરમાં ૧૦૦ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મોઈન અલીએ ૩૨ ઓવરમાં ૯૮ રન આપીને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. ઓલી સ્ટોનને એક સફળતા મળી હતી.

અશ્વિને અનેક દિગ્ગજોને છોડ્યા પાછળ
કોઈ એક ટેસ્ટ મેચમાં ૫ વિકેટ લેવાની સાથે સદી ફટકારવાનો કમાલ કેટલાક ખેલાડી કરી શક્યા છે. આ લિસ્ટમાં હવે અશ્વિનનું નામ જોડાય ગયું છે. અશ્વિને ગેરી સોબર્સ, મુશ્તાક અહમદ, જેક કાલિક અને શાકિબ અલ હસન જેવા ખેલાડીને પાછળ છોડી દીધા છે. આ બધાએ એક ઈનિંગમાં પાંચ વિકેટ લેવાની સાથે બે વખત સદી ફટકારી હતી. અશ્વિને ત્રીજીવાર આ કમાલ કર્યો છે. ઇયાન બોથમે સૌથી વધુ ૫ વખત આ કમાલ કર્યો છે.

કોહલીની ૨૫મી ટેસ્ટ અર્ધસદી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ૧૪૯ બોલ પર ૬૨ રનની ઈનિંગ રમી હતી. તેને મોઈન અલીએ ન્મ્ઉ આઉટ કર્યો હતો. વિરાટની ટેસ્ટ કરિયરની આ ૨૫મી અર્ધસદી છે.

Related posts

પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે, ટેસ્ટ સિરિઝ સ્થગિત…

Charotar Sandesh

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ફાસ્ટ બોલર અશોક ડિંડાએ નિવૃતિ જાહેર કરી…

Charotar Sandesh

હું આઇપીએલમાં વધુ ભારતીય કોચ જોવા માંગુ છુઃ અનિલ કુંબલે

Charotar Sandesh