૨૪ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી, મહિલાઓની ટી-૨૦ મેચ રમાશે…

બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ગેમ્સ (કોમનવેલ્થ ગેમ્સ) ૨૦૨૨મા મહિલા ટી-૨૦ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે તેની ખાતરી કરી છે. આ વર્ષએ જૂન મહિનામાં સીજીએફે તેની ઉમેદવારી કરી હતી પરંતુ સીજીએફના સભ્યોની મંજૂરી મળવાની બાકી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર એકવાર ૧૯૯૮ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટ સામેલ રહ્યું છે, જેમાં સાઉથ આફ્રિકા ટોપ પર રહ્યું હતું. બીજીતરફ એમસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન માઇક ગૈટિંગે પુરૂષ ક્રિકેટ વિશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) રમતને ૨૦૨૮મા લોસ એન્જલિસમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ગૈટિંગે આ વાત આ સપ્તાહે લોડ્‌ર્સમાં આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહને દ્વારા કહેલી વાતના હવાલાથી કહી છે.
એક વેબસાઇટે ગૈટિંગના હવાલાથી લખ્યું છે, ’અમે મનુ સ્વાહને સાથે વાત કરી રહ્યાં હતા અને તે આ વાતને લઈને આશાસ્પદ છે કે ક્રિકેટને ૨૦૨૮ ઓલિમ્પિક રમતોમાં જગ્યા મળી શકે છે. તેના પર તેઓ મજબૂતીથી કામ કરી રહ્યાં છે. આ વૈશ્વિક સ્તર પર ક્રિકેટ માટે મોટી વાત હશે.’