૨૪ કલાકમાં કોરોનાના મળ્યા નવા ૪૬૭૯૧ કેસ, ૫૦૦થી વધુ દર્દીનાં મોત…

દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા ૭૬ લાખની નજીક…

ન્યુ દિલ્હી : ભારતવાસીઓ માટે કોરોનાને લઈ ૮૩ દિવસ બાદ થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં ૮૩ દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ૫૦ હજારથી ઓછી નોંધાઈ છે જ્યારે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાતા તે ૫૦૦ની નજીક આવી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૭૯૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૮૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૫,૯૭,૦૬૪ થઈ ગઈ છે. વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૬૭ લાખ ૩૩ હજાર ૩૨૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૭,૪૮,૫૩૮ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૧૯૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે,
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૯ ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૬૧,૧૬,૭૭૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૧૦,૩૨,૭૯૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, ૧૯મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૯૯૬ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૧૪૭ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૮ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ૧,૬૦,૭૨૨એ પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાથી જે સૌથી વધુ પ્રભાવિત છે તેવા પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાંથી સારા સમાચાર આવ્યા છે. આ રાજ્યોમાંથી રોજેરોજ આવતા કેસનો ટ્રેન્ડ જોઈએ તો ખબર પડે છે કે એક્ટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે. જે ભારતમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો દર્શાવે છે. કારણ કે સતત ૩ દિવસથી એક્ટિવ કેસ ૮ લાખથી નીચે છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસનું સામુદાયિક સ્તરે સંક્રમણ કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સિમિત છે અને આવું આખા દેશમાં થઈ રહ્યું નથી.
હર્ષવર્ધને સંડે સંવાદના છઠ્ઠા એપિસોડમાં પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે વાતચીતમાં આ વાત કરી. તેઓ એક પ્રતિભાગીના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદનનો ઉલ્લેખ કર્યો કે તેમના રાજ્યમાં સામુદાયિક સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. હર્ષવર્ધને કહ્યું કે, “પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના વિભિન્ન ભાગમાં અને ખાસ કરીને ગાઢ વસ્તીવાળા વિસ્તારોમાં કોવિડ-૧૯નું સામુદાયિક સંક્રમણ થઈ શકે છે. તેમણે કહ્યું કે જો કે, “દેશભરમાં આવું થઈ રહ્યું નથી. સામુદાયિક સંક્રમણ કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓ સુધી સિમિત છે.” કેન્દ્ર સરકારે હજુ સુધી દેશમાં કોરોના વાયસના સામુદાયિક સંક્રમણની વાતનો ઈન્કાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સામુદાયિક સંક્રમણની કોઈ વ્યાખ્યા આપી નથી.