૨૦૨૦માં ગુજરાતના આ શહેરમાં તૈયાર થશે નવ ટાવર : બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડશે

5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ડાયમંડ બુર્સનું વર્ષ 2020 સુધી નિર્માણ થઈ જશે…

દુનિયાના સૌથી સારા 11 હીરા પૈકી નવ હીરા પર કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં કરવામાં આવે છે, જોકે હવે એ દિવસો દૂર નથી કે સુરતમાં હીરાનું ખરીદ-વેચાણ પણ કરવામાં આવશે.

જી હાં, સુરતમાં 2600 કરોડથી વધુના ખર્ચે સુરત ડાયમંડ બુર્સનું કામ ચાલી રહ્યું છે, જે આગામી વર્ષે 2020માં તેના નવ ટાવર તૈયાર થઇ જશે. ત્યાર બાદ અનેક દેશોના વેપારીઓ હીરાની ખરીદ-વેચાણ કરવા સુરત આવશે. સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો પ્રયાસ કરી રહ્યા છે, કે  બુર્સના ઉદ્દઘાટન કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત રશિયા સહિતના દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ હાજર રહે. સુરતના હીરાની ચમક દેશ અને દુનિયામાં જાણીતી છે. એવું કહેવાય છે કે દુનિયાની અલગ અલગ ખાણમાંથી નીકળતાં સારી કક્ષાના આગિયાર હીરા પૈકી નવ હીરા પર કટિંગ અને પોલિશિંગનું કામ સુરતના રત્નકલાકારો દ્વારા કરવામાં આવે છે.

આમ સુરત એક હીરાના કટિંગ અને પોલિશિંગનું હબ ગણાય છે. મુંબઈમાં આવેલા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે દેશના હીરા ઉદ્યોગકારો હીરાની ખરીદ-વેચાણનું કામ કરી રહ્યા છે, જોકે કેટલાક ગુજરાતી ઉદ્યોગકારોએ મુંબઈથી સુરત તરફ આવવાનું નક્કી કર્યું અને અહીં મોટા પાયે હીરાની ખરીદી અને વેચાણનું હબ બનાવવાનું નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને સુરતના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સુરત ડાયમંડ બુર્સનું વર્ષ 2020 સુધી નિર્માણ થઈ જશે. જેના માટે 6000 કારીગરો, હાલમાં 9 મહાકાય ક્રેઈનની મદદથી બિલ્ડિંગનું બાંધકામ કરી રહ્યા છે. દરરોજ 10 હજારથી વધુ સિમેન્ટના બેગના વપરાશથી ચાલી રહેલા બાંધકામના કારણે કુલ 9 પૈકી 5 ટાવરનું કોંક્રિટનું ફ્રેઈમ વર્ક સંપૂર્ણ થઈ ગયું છે.

ડાયમંડ બુર્સના કોર કમિટીના સભ્ય મથુર સવાણીએ કહ્યું હતું કે, 2600 કરોડના અંદાજથી બની રહેલા પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી 1200 કરોડથી વધુનો ખર્ચ થયો છે. કુલ 42 હજાર ટનથી વધુના સ્ટીલના ઉપયોગથી તૈયાર થનારા આ મેગા સ્ટ્રક્ચરમાં 36 હજાર ટનથી વધુ સ્ટીલનો વપરાશ થયો છે. જ્યારે રોજ 10 હજારથી પણ વધુ સિમેન્ટ બેગના ઉપયોગ થઇ રહ્યો છે. સુરત ડાયમંડ બુર્સનું કામ 564 દિવસથી સતત ચાલી રહ્યું છે તેવું બુર્સના કોર કમિટીના મેમ્બર મથુર સવાણીએ જણાવ્યું.