૧૯૮૮માં ઇમેલ, ડિજિટલ કેમેરાના દાવાથી વડાપ્રધાન હાંસીને પાત્ર ઠર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. શનિવારે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમણે ૧૯૮૭-૮૮માં ડિજિટલ કેમેરાનો ઉપયોગ કર્યો હતો અને ફોટો ઇ-મેલ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ દેશના વરિષ્ઠ રાજકારણીઓ અને પત્રકારોમાં તેઓ હાંસીને પાત્ર બની ગયા છે.
અર્થશાસ્ત્રી રૂપા સુબ્રમણ્યમે ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, તે સમયે પશ્ચિમના દેશોમાં પણ ખૂબ જ ઓછા લોકો પાસે ઇ-મેલની સુવિધા હતી પરંતુ મોદીએ ૧૯૮૮માં ઇમેલનો ઉપયોગ કરી લીધો હતો. જાકે ઇમેલની સેવા બાકી બધા માટે તો ૧૯૯૫માં ઉપલબ્ધ થઇ હતી.
એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી પાસે પર્સ ન હતું અને ૧૯૮૮માં તેમની પાસે ડિજિટલ કેમેરા અને ઇમેલની સુવિધા હતી? વડાપ્રધાન મન ફાવે તેમ બોલી રહ્યા છે. સાઉથ અને બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમને જાણ છે ત્યાં સુધી ૧૯૯૦ના દાયકામાં આ સુવિધા આવી હતી. પરંતુ અમારા ચોકીદાર પાસે ડિજિટલ કેમેરા અને ઇમેલની જાણકારી ૧૯૮૦માં પ્રાપ્ત થઇ ગઇ હતી…જાકે તે સમયે તેઓ જંગલમાં હતા…મહાભારતનું વાંચન કરતા સમયે…વાદળથી ઘેરાયા..મૂર્ખ બનાવવાની પણ હદ હોય છે.
આ ઇન્ટવ્યૂમાં વડાપ્રધાન મોદીએ બાલાકોટ એર સ્ટ્રાઇક અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી સામે એક સમસ્યા હતી કે તે સમયે હવામાન ખરાબ હતું. આ વાત હું પ્રથમ વખત જણાવી રહ્યો છું. ત્યારે કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું કે તારીખ બદલી નાંખીએ તો? મેં વિચાર્યું તે આ હવામાનમાં અમે રડારથી બચી શકીએ છીએ. મેં  કે આકાશમાં વાદળ છે અને વરસાદ વરસી રહ્યો છે. આ અમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.