૧લી ફેબ્રુઆરીથી ચાર મહાનગરોમાં રાત્રી કર્ફયુ દૂર થવાની શકયતા… માસ્કનો દંડ ઘટાડવાની રજૂઆત…

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરપાલિકામાં મોડી રાત સુધી ચૂંટણી પ્રચાર કરી શકાય એ માટે રાત્રિ કર્ફ્યુમાં મોટાપાયે છૂટછાટ કે કર્ફ્યુ દૂર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના દેખાઇ રહી છે. રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિના આંકડા પણ સતત ઘટી રહ્યા છે તેને આગળ કરીને ગૃહ વિભાગ દ્વારા તેના આધારે ચાર મહાનગરપાલિકામાંથી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવા સુધીના નિર્ણય લઇ શકાશે.

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં છેલ્લા દોઢ મહિનાથી રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. જો રાત્રે કફર્યુ ચાલુ રાખવામાં આવે તો મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામે નહીં. જો રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવે તો રાત્રિના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય. ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ અને કાર્યકરો ચાર મહાનગરમાંથી રાત્રિ કર્ફ્યુમાં ઘટાડો કરવા કે હટાવી લેવા માટેની લાગણી હાઈ કમાન્ડ સુધી વ્યક્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત માસ્કના દંડની રકમમાં ઘટાડો કરવાને પણ લાગણી પ્રબળ બની છે અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે જોકે તાજેતરમાં જ જુનાગઢ તાલીમ શાળામાં માત્ર રૂપિયા ૩૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ આગામી ૧૫ દિવસ સુધી યથાવત રહેશે. એટલે કે ૩૧ જાન્યુઆરી સુધી આ ચારેય મહાનગરમાં કર્ફ્યૂ યથાવત રહેશે. કર્ફ્યૂના સમયમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આગામી ૩૧ જાન્યુઆરી સુધી રાત્રે ૧૦થી સવારે ૬ સુધી આ ચાર મહાનગરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.