હું માત્ર ભાજપનો નહીં, શિવસેનાનો પણ મુખ્ય પ્રધાન છું : ફડણવીસ

મુંબઇ,
આવનારી વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે જ લડશે તેવી જાહેરાત સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે હું માત્ર ભાજપનો જ નહીં, પરંતુ શિવસેનાનો પણ મુખ્ય પ્રધાન છું. ગોરેગાંવ ખાતે ભાજપની મળેલી કાર્યકારિણી બેઠકમાં કાર્યકરોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે આપણે યુતિ કરવાની છે અને ટૂંક સમયમાં બેઠકોની વહેંચણીની વાતચીત પણ શરૂ થશે. તેમણે કાર્યકરોને લોકસભાની જીતના ઉન્માદમાં ન રહેતા વિધાનસભાના ચૂંટણી માટે કામે લાગવા જણાવ્યું હતું. જાકે આમ કહી મુખ્ય પ્રધાને શિવસેનાને ટોણો માર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુતિ તો થશે જ અને હું મુખ્ય પ્રધાન પણ બનીશ, પરંતુ હું માત્ર ભાજપનો નહીં, સેનાનો પણ મુખ્ય પ્રધાન છું. શિવસેના આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે અને આ ઈચ્છા તેઓ જાહેરમાં વ્યક્ત કરી ચૂક્્યા છે.

તેમણે જણાવ્યું હતું કે હું અગાઉ જ કહી ચૂક્્યો છું કે હું ફરી આ પદ પર આવીશ. અમુક લોકો આ પદને લઈને ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે, તેમની વાતમાં આવશો નહીં, આપણું કામ બોલશે, તેમ તેમણે કાર્યકરોને જણાવ્યું હતું.