હિમાચલમાં જળપ્રકોપ : ૮ના મોત, ૩૨૩ રસ્તા પર વાહનવ્યવહાર ઠપ્પ…

કેરળમાં પૂરને કારણે અત્યાર સુધી ૧૧૫ લોકોના મોત થયા…

ન્યુ દિલ્હી,
દેશના ઉત્તરી અને પહાડી વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કરાણે નદી-નાળા ભરાઇ ગયા છે. શિમલામાં ભૂસ્ખલનમાં પાંચ લોકો દટાઇ ગયા હતા, જેમને રેસ્ક્યૂ કરાયા છે.
ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી છે. વરસાદની દુર્ઘટનાઓના કારણે હિમાચલ પ્રદેશના અલગ અલગ ભાગમાં ૮ લોકોના મોત થયાં છે. અનેક જિલ્લામાં વરસાદના કારણે ગામનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યના તમામ ભાગમાં થયેલા ભૂસ્ખલનની ઘટનાઓ અને ફ્લેશ ફ્લડના કારણે ૩૨૩ રસ્તાઓ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા ૫ પર પણ વાહનોની અવરજવર ઠપ થઈ છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ અને રાજસ્થાનના અનેક ભાગમાં પણ પૂર જેવી હાલાતના કારણે સાર્વજનિક સંપત્તિઓને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.
જાણકારી અનુસાર, વરસાદની ઘટનાઓના કારણે હિમાચલ પ્રદેશમાં આઠ લોકોના મોત થયાં છે. શિમલાના આરટીઓ કાર્યાલયની પાસે ભૂસ્ખલનની ઘટનાઓમાં ૩ લોકોના મોત થયા હોવાની જાણકારી છે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ પણ કાટમાળમાં દબાયો છે. તો વરસાદના કારણે એક મકાનની દિવાલ પડવાના કારણે એક મજૂરનું પણ મોત થયું છે.
આ ઉપરાંત હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, પોંડિચેરી, બિહાર અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે.
હિમાચલના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને નદીઓના જળસ્તર વધવાને કારણે કુલ્લુ-મંડી અને મનાલીને જોડનારો નેશનલ હાઇવે બંધ થઇ ગયો છે. પંજાબમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાખરા ડેમમાંથી ૧,૮૯,૯૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સતલજ નદીના સ્તરમાં વધારો થતા પંજાબના અનેક જિલ્લા હાઇએલર્ટ પર છે. રાજસ્થાનના અજમેરમાં પણ શનિવારે ૧૫ અને માઉન્ટ આબૂમાં ૧૪ સેમી વરસાદ વરસ્યો છે. ધોલપુર ચંબલ નદી ભય સ્તરના નિશાનથી ૫ ફૂટ ઉપર વહી રહી છે.
આંધ પ્રદેશના કૃષ્ણા અને ગુંટૂરના ૮૭ ગામડાઓ પુરના સંકાજામાં છે. અનેક વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે. કેરળના શનિવાર સુધી પૂરને કારણે ૧૧૫ લોકોના મોત થયા છે. ૨૭ લોકો હજુ સુધી ગુમ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૩૩,૩૬૪ પરિવારના ૯૦,૩૭૫ લોકોને ૫૯૩ શિબિરોમાં રાખવામાં આવ્યા છે.