હવે દેશના કુલ ૧૪.૫ કરોડ ખેડૂતોને વર્ષે ૬ હજાર રોકડ આપશે સરકાર…

  1. વડાપ્રધાન યોજનાનો લાભ વધુ આઠ લાખ મોટા ગજાના ખેડૂતોને મળશે…!!

  2. ૨૫ એકર જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે

ન્યુ દિલ્હી,

ગયા શુક્રવારે નવી સરકારની પ્રથમ કેબીનેટમાં ખેડૂતો માટેની યોજનાને વધુ વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનાથી ૮ લાખ મોટા ગજાના ખેડૂતોને પણ ફાયદો થશે. ૧૦ હેકટર એટલે લગભગ ૨૫ એકર જમીન ધરાવતા ખેડૂતોને પણ વડાપ્રધાનની આ યોજનાનો લાભ મળશે.
જો કે દેશના કુલ ખેડૂતોમાંથી માત્ર ૦.૬ ટકા જ મોટા ગજાના ખેડૂતો છે અને તેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, હરીયાણા અને ગુજરાતમાં સૌથી વધુ છે. રાજ્યવાર આવા જમીન માલિકોનું વિશ્લેષણ કરીએ તો પંજાબના કુલ ૫.૩ ટકા ખેડૂતો મોટા ગજાના છે. એ જ રીતે રાજસ્થાનમાં ૪.૭ ટકા અને હરીયાણાના ૨.૫ ટકા ખેડૂતો મોટા ગજાના ખેડૂતોની વ્યાખ્યામાં આવે છે. જ્યારે બાકીના રાજ્યોમાં કુલ ખેડૂતોના ૧ ટકાથી પણ ઓછા ખેડૂતો મોટા ખેડૂતોની વ્યાખ્યામાં આવે છે.
રાજસ્થાન સહિત ટોચના ૧૨ રાજ્યોના ખેડૂતો પાસે વધુ જમીનો છે અને આ ૧૨ રાજ્યોમાં આવેલા ખેડૂતોને પણ હવે વડાપ્રધાનની આ યોજનાનો લાભ મળશે. તેલંગણામાં ૯૦૦૦, આસામ અને ઓડીસામાં ૪ – ૪ હજાર, બિહાર અને હિમાચલમાં ૩ – ૩ હજાર, કેરળમાં ૨ હજાર, ઉતરાખંડ, પ.બંગાળ અને જમ્મુ કાશ્મીરમાં ૧ – ૧ હજાર ખેડૂતો મોટા ખેડૂતોની વ્યાખ્યામાં આવે છે.
વડાપ્રધાનની કિસાન યોજનામાં કુલ ૧૪.૫ કરોડ ખેડૂતો લાભાર્થી બનશે. જેઓને વર્ષે ૬૦૦૦ રૂા. કેન્દ્ર સરકાર તરફથી મળશે.