હવે દુબઇ એરપોર્ટ પરથી ભારતીય કરન્સીમાં જ ખરીદી થઇ શકશે

રૂપિયાનો રણકાર, દુબઇના દરેક એરપોર્ટ પર લેણદેણ થઇ શકશે…

આબુધાબી,
સામાન્ય રીતે આપણે વિદેશ જતા પહેલાં ભારતીય કરન્સીને દેશની સ્થાનિક કરન્સી અથવા ડોલરમાં એક્સચેન્જ કરાવી પડે છે. પરંતુ હવે દુબઈ જતી વખતે ત્યાંના એરપોર્ટ પરથી ભારતીય કરન્સીમાં જ ખરીદી કરી શકાશે. યુએઈના એક મુખ્ય સમાચાર પત્ર પ્રમાણે, દુબઈ સરકારના બદલાયેલા નિયમ પ્રમાણે દુબઈ એરપોર્ટ પર આવેલી ડ્યૂટી ફ્રી દુકાનોમાંથી હવે ભારતીય કરન્સી પ્રમાણે ખરીદી કરી શકાશે. ભારતીય કરન્સીથી હવે દુબઈના દરેક એરપોર્ટ પર લેણદેણ કરી શકાશે.

દુબઈમાં ભારતીય કરન્સીની સ્વીકૃતિ પર્યટકો માટે ખરેખર એક ગુડ ન્યૂઝ છે. કારણકે પહેલાં કરન્સી એક્સચેન્જમાં પર્યટકોએ ખૂબ મોટી રકમ ગુમાવવી પડતી હતી. ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય કરન્સી હવે દુબઈ આંતતરાષ્ટ્રીય એરપોર્ટના ત્રણેય ટર્મિનલ અને અલ મકતૌમ એરપોર્ટ ઉપર સ્વીકાર્ય છે.

દુબઈના એક ડ્યૂટી ફ્રી દુકાનના કર્મચારીએ જણાવ્યું કે, અમે ભારતીય કરન્સીને સ્વીકારવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે દુબઈ એરપોર્ટ પર અંદાજે ૯ કરોડ યાત્રીઓ આવ્યા હતા. તેમાં ૧.૨૨ લાખ યાત્રીઓ ભારતીય હતા. નોંધનીય છે કે, પહેલાં ભારતીય યાત્રીઓને દુબઈમાં શોપિંગ કરતી વખતે કરન્સીને ડોલર, દિરહામ અથવા યૂરોમાં એક્સચેન્જ કરાવવા પડતા હતા. જોકે રૂપિયો પહેલી એવી કરન્સી નથી જે દુબઈએ ચલણમાં માન્ય કરી છે.