હવે, જાહેરમાં થુંકનારાઓ ચેતી જજો, ક્યાંક તમને પણ AMC ઈ-મેમો ના પકડાવી દે

અત્યાર સુધી પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઈ-મેમો આપવામાં આવતો હતો. પણ હવે જાહેરમાં પાન-મસાલા ખાઈને થુંકનારાઓને ટ્રાફિક પોલીસની જેમ મહાનગરપાલિકા દ્વારા ઈ-મેમો આપવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરને જાહેરમાં થુંકનારાઓથી સ્વચ્છ રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ નવો રસ્તો અપનાવ્યો છે. અમદાવાદ શહેરમાં લાગેલા CCTV કેમેરાની મદદથી ચાલુ બાઈકે જાહેરમાં થુંકીને શહેરને ગંદુ કરનાર એક વ્યક્તિને અમદાવાદ મહાનગરપાલિકાએ 100 રૂપિયાનો ઈ-મેમો પકડાવ્યો છે. કદાચ આ દેશનો પહેલો કિસ્સો હશે કે, જેમાં રસ્તા પર થુંકનારને ઈ-મેમો આપવામાં આવ્યો હોય. ઈ-મેમો આપતા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે, પાન-મસાલા ખાઈને રસ્તા પર થુંકીને શહેરને ગંદુ કરનારની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને ઈ-મેમો આપવામાં આવશે. ઈ-મેમો પછી હવે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ગ્રાઉન્ડ લેવલે પણ કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગના અધિકારઓ અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે અને રસ્તા પર જે વ્યક્તિ થુંકે છે તેને સ્થળ પર જ મેમો આપવામાં આવી રહ્યો છે.પબ્લિક હેલ્થ ઓફિસરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની થલતેજ વોર્ડની આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરી રહી છે. જ્યાં પબ્લિક થુંકતી હોય ત્યારે કોર્પોરેશનના નિયમ મુજબ 100 રૂપિયા હાલમાં મિનિમમ ફાઈન કરીએ છીએ. ઘણીવાર એવું થાય છે કે, લોકો પાનના ગલ્લાથી બહારની નીકળીને થુંકે છે ત્યારે અમે અગાઉ પણ તે લોકોને નોટિસ આપીને જાણ કરી છે અને જે દુકાન માલિક છે તેને પણ અમે કીધું છે કે, તમે થુંકદાની રાખજો અને જો એ લોકો ન રાખે તો તેને કોર્પોરેશનના બાયલોઝ મુજબ ફાઈન કરીએ છીએ અને પબ્લિકને સમજાવીને તે લોકોનો ફાઈન લેવામાં આવે છે.