હવેથી કોઈપણ એએસઆઈ અને જમાદારો રિવોલ્વર ઘરે નહિ લઈ જઇ શકે

આ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો, ક્વાર્ટરમાંથી વધુ એક રિવોલ્વર મળી…

રાજકોટ,
રાજકોટમાં મહિલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે દરેક પોલીસ એએસઆઈ અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.

રાજકોટ પોલીસ કમિશનરે સૂચના આપી કે, કોઈપણ એએસઆઈ અને જમાદારો હવેથી રિવોલ્વર ઘરે નહિ લઈ જઇ શકે. તેઓ ડ્યુટી આવે ત્યારે જે તેમને પોતાની સર્વિસ રિવોલ્વર પરત મળશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં મહિલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના આત્મહત્યા પ્રકરણના ઘેરા પડઘા પડ્યા હતા. જેના ભાગરૂપે રાજકોટ પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે. રાજકોટના ૧૫૦ ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. તો અગાઉ પણ સર્વિસ રિવોલ્વરથી આપઘાત અને હત્યા બનાવો બની ચૂક્્યા છે.

સમગ્ર ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે, તપાસમાં ક્વાર્ટરમાંથી બીજી એક સરકારી રિવોલ્વર મળી આવતા રહસ્ય વધુ ગુંચવાયું છે. આ રિવોલ્વર બનાવ પહેલા પત્ની સાથે બેસવા આવેલા એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ખુશ્બુએ અગાઉ એબોર્શન કરાવ્યાની ચર્ચા થઇ રહી છે. બંને પોસાથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, તેથી પોલીસ પણ આ કેસમાં ગૂંચવાઈ છે. ખુશ્બુ કાનાબાર રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવતી હતી. તો રવિરાજ ડી સ્ટાફના કોન્સ્ટેબલ તરીકેની સેવામાં હતો. આ બનાવ બાદ રાજકોટ પોલીસ દોડતી થઈ હતી.