અજબ-ગજબ ડેસ્કઃ સ્વિટ્ઝર્લૅન્ડનું એક શહેર એવું છે કે જ્યાં ક્યારેય 12 વાગતા જ નથી. સોલોથર્ન નામના આ શહેરની ખાસ વાત એ છે કે અહીં વસતા લોકોને 11 નંબર સૌથી પ્રિય છે. અહીં બનાવવામાં આવતી મોટાભાગની વસ્તુઓની ડિઝાઈન આ નંબરની આસપાસ જ હોય છે. જેમ કે, આ શહેરમાં 11 ચર્ચ આવેલા છે, ઝરણાં, સંગ્રહાલય અને ટાવરની સંખ્યા પણ 11 છે. તેટલું જ નહીં અહીં આવેલા સેન્ટ ઉર્સૂસના ચર્ચમાં પણ તમને 11 નંબર તરફનો પ્રેમ દેખાઈ આવશે. આ ચર્ચ 11 વર્ષમાં તૈયાર થયું હતું. અહીં આવેલી સીડીઓના ત્રણ સેટ છે, જેમાં 11 સીડીઓ, 11 દરવાજા અને 11 ઘંટ છે.
લગાવ
1.11 નંબર પ્રતિ લોકોને એટલો લગાવ છે કે અહીંની દરેક ચીજવસ્તુઓમાં તમને 11 નંબર જોવા મળશે. લોકોના જીવનમાં પણ 11 નંબર ખૂબ મહત્વનો છે. અહીંના લોકો પોતાનો 11મો જન્મદિવસ પણ ખાસ રીતે ઉજવે છે. આ સાથે જ જન્મદિવસે આપવામાં આવતી ગિફ્ટ પણ 11 નંબર સાથે જોડાયેલી હોય છે. જેમ કે, ઑફી બીયર એટલે કે બીયર નંબર 11, 11 ચોકલેટ. એટલે જ અહીં આવેલી ઘડિયાળમાં 12નો અંક નથી, આ શહેરના ટાઉન સ્ક્વેયર ટાવર પર એક એવી ઘડિયાળ લગાવવામાં આવી છે કે જેમાં માત્ર 11 સુધીના જ આંક છે, 12 નંબર ગાયબ છે.
કારણ
2.અહીંના લોકોને 11 નંબર સાથે લગાવ છે તેની પાછળ એક પૌરાણિક માન્યતા છે. એક માન્યતા પ્રમાણે, એક સમયે સોલોથર્નના લોકો ઘણી સખત મહેનત કરતા હતા. સખત મહેનત કરવા છતાં તેમના જીવનમાં ખુશીઓ આવી હતી. આ વખતે જ અહીં આવેલા પહાડોમાંથી એક ‘અલ્ફ’ અવાજ આવવા લાગ્યો કે જેણે લોકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. ‘અલ્ફ’નો અવાજ આવ્યા પછી તેમના જીવનમાં ખુશીઓ આવવા લાગી. જર્મની ભાષામાં અલ્ફનો મતલબ અગિયાર થાય છે અને તે અવાજનું ઋણ ચૂકવવા માટે જ અહીંના લોકો અગિયારને વધુ મહત્વ આપે છે.