સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતાઓ…

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સંભાવના…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવા માટેની શક્યતાઓની સાથે કોવિડની ગાઈડલાઈન અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરીને આજે ૨૨ જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ શકે છે,જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીની વિધિવત જાહેરાત થશે, બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણીની મતગણતરી તો એક સાથે કરવામાં આવશે.
હાલમાં,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદ્દઘાટનો, અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તેની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતાઓ છે સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે અને મતગણતરી એકસાથે કરવામાં આવે તેવી શક્યતા છે.
પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં પંચાયતો ની ચૂંટણી યોજાશે જેમાં કોવિડ નીપરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસ સ્ટાફ, મતદાન મથકો, ચૂંટણી સ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ૮ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે .ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો રાજય ચૂંટણી પંચ દ્વારા પણ આ અંગેની સમીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતાઓ છે.