સ્ટેટ મોનિટરીંગ સેલે બોરસદમાંથી 36 લાખના દારૂના મુદ્દામાલ સાથે કરી 1ની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જેના કારણે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા પેંતરા અજમાવે છે. પરંતુ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના મનસુબા સફળ થતા નથી અને લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવે છે. ત્યારે આણંદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગની રેડ દરમિયાન એક ટ્રકમાંથી લાખો રૂપિયાના દારૂનો મુદ્દામાલ પકડાયો છે.

મળતી માહિતી અનુસાર, દારૂબંધીના કડક કાયદા વચ્ચે બનાસકાંઠા, આણંદ અને ખેડામાંથી અવાર-નવાર લાખો રૂપિયાના દારૂનો મુદ્દામાલ પકડાય છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે, આણંદના બોરસદમાંથી લાખો રૂપિયાના દારૂની સપ્લાય થવાની છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓને એક ટ્રક પર શંકા જણાઈ હતી, જેના કારણે તેમણે ટ્રકને ઊભો રાખીને ટ્રકમાં રહેલા મુદ્દામાલની ચકાસણી કરતા ટ્રકમાંથી મોટી સંખ્યામાં દારૂની પેટીઓ મળી આવી હતી. જેના કારણે પોલીસે દારૂના મુદ્દામાલ સાથે ટ્રક અને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.

હાલ સમગ્ર મામલે બોરસદ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને 36.47 લાખના દારૂનો મુદ્દામાલ કબજે કરીને ટ્રક ચાલકની પૂછપરછ શરૂ કરી હતી કે, તે કેટલા સમયથી દારૂની ખેપ મારે છે, કોની પાસેથી દારૂ લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.