પ્રવાસીઓ આનંદો : ૧૭ ઑક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી ખુલશે…

નર્મદા : કોરોનાને કારણે રાજ્યમાં તમામ પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે જેમ જેમ અનલૉક આગળ વધી રહ્યું છે તેમ-તેમ રાજ્ય સરકાર પ્રવાસન સ્થળો પર લગાવેલા પ્રતિબંધ હટાવી રહી છે. તેવામાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કારણ કે, રાજ્ય સરકારે ૧૭ ઓક્ટોબરથી ફરી એક વાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પ્રવાસીઓની આતુરતાનો અંત આવી ચૂક્યો છે. કારણ કે મોટા ભાગના પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા તલપાપડ થઈ રહ્યા છે.
સરકારે કેવડિયા ખાતે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક, એકતા મોલ વગેરે જેવા સ્થળો અગાઉથી ખુલ્લા મૂકી દીધા હતા. જોકે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાને નિહાળવા માટેે લોકો દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે સરકારે નવરાત્રિના પહેલા જ દિવસથી એટલે કે ૧૭ ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવાનો નિર્ણય કર્યો છે. અહીં આવનારા તમામ પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ તમામ પ્રકારની કાળજી રાખવામાં આવશે. કોવિડ-૧૯ની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન અંગેની તમામ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરવી પડશે.
આ સાથે પ્રવાસીઓની સંખ્યા પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. હાલમાં દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદા સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લું મૂકાશે. આમાંથી માત્ર ૫૦૦ પ્રવાસીઓને વ્યુઈંગ ગેલરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટેની ટિકિટો દર બે કલાકના સ્લોટમાં વેબસાઈટ પરથી ઓનલાઈન મળી શકશે.