સ્કૂલમાં બહેનને એડમિશન અપાવવા ભાઈની દાદાગીરી : પ્રિન્સિપાલને ચપ્પુ બતાવ્યું…

વડોદરા,
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઉપર આવેલી ઝેનિથ હાઇસ્કૂલમાં ચાકૂની અણીએ બહેનને ધોરણ-૧૧માં પ્રવેશ અપાવવા ગયેલા ભાઇની પોલીસે ધરપકડ કરી હતી. ચાકૂ લઇને પ્રિન્સીપાલની ઓફિસમાં ધસી ગયેલા યુવાને બહેનને પ્રવેશ કેમ આપતા નથી. તેવો સવાલ કરી બહેનને પ્રવેશ આપવા ધમકી આપી હતી.
વાડી પોલીસ મથકના હે.કો. તેરસીંગભાઇએ જણાવ્યું હતું કે, પ્રતાપનગર મસ્કેની ચાલીમાં રહેતા કરણ મહેન્દ્રભાઇ કદમ (ઉં.વ.૨૦)ની બહેન પ્રતાપનગર રોડ ઉર આવેલી ઝેનિથ હાઇસ્કૂલમાં ધોરણ-૮થી અભ્યાસ કરતી હતી.
ધોરણ-૧૧માં પ્રવેશ ન મળતા બહેન નિરાશ થઇ ગઇ હોવાની જાણ કરણને થતાં તે સ્કૂલમાં પ્રિન્સીપાલની ઓફિસમાં ચાકૂ લઇને ઘૂસી ગયો હતો. અને પ્રિન્સીપાલને જણાવ્યું કે, મારી બહેનને પ્રવેશ કેમ આપતા નથી. તેવી ધમકી આપી હતી. દરમિયાન પ્રિન્સીપાલે આ અંગેની જાણ વાડી પોલીસને કરતા તુરતજ પી.એસ.આઇ. કે.જી. ચાવડા સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા. અને ચાકૂ લઇને સ્કૂલમાં બહેન માટે પ્રવેશ મેળવવા ગયેલા કરણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.