સૌથી મોટા ફંડે ચાર ટન સોનું વેચતાં હવે સસ્તું થશે

દુનિયાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) એસપીડીઆરએ ઓપન માર્કેટમાં માત્ર થોડા જ કલાકોમાં ૩.૮૨ ટન સોનાનું વેચાણ કરતાં હવે સોનામાં તેજીને બ્રેક લાગશે અને તેના ભાવ ઘટશે. આ વેચાણ બાદ એસપીડીઆરનું હોલ્ડિંગ છ મહિનાના લઘુતમ સ્તર પર આવી ગયું છે. એટલા માટે હવે એ‍વું માનવામાં આવી રહ્યું છે કે સેફ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડને લઇને સોનામાં આવેલી તેજીને બ્રેક લાગશે.

દુનિયાભરના મોટા બ્રોકરેજ હાઉસ પણ હવે સોનાની તેજી પર પોતાનો અભિપ્રાય બદલી રહ્યા છે. નિષ્ણાતોના મતે ઘરેલુ સ્તરે રૂપિયો મજબૂત હોવાથી સોનાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પ્રતિ દશ ગ્રામ સોનામાં રૂ. ૧૮૦૦નો ઘટાડો થયો છે.

૪ ફેબ્રુઆરીના રોજ સોનાની કિંમત પ્રતિ દશ ગ્રામ ૩૪,૪૫૦ હતી તે ઘટીનેે ૧૫ એપ્રિલના રોજ ૩૨,૬૨૦ પર આવી ગઇ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ૧૦ દિવસમાં સોનું ૨૫ ડોલર સસ્તુ થઇ ગયું છે.