સેલ્ફી લેવી ભારે પડી : લોકડાઉન-૫માં માસ્ક વગર ભેગા ઉભા રહેલા ૧૨ યુવાનોની કરાઈ ધરપકડ…

અમદાવાદ : લોકડાઉન ૫માં અનલોક ૧ જાહેર થયા બાદ પણ પોલીસની કાર્યવાહી હતી તેમની તેમ જ છે. ત્યારે ઇસ્કોન બ્રિજ પર આનુ એક ઉદાહરણ જોવા મળ્યું. બારેક જેટલા જુવાનિયાઓ ગ્રુપ સેલ્ફી લેવા જતા તેઓને તેમની એક ક્લિક ભારે પડી હતી. આ મિત્રો ગ્રુપ સેલ્ફી લેવા જતા જ ત્યાંથી પોલીસ નીકળી અને પોલીસે મોઢે રૂમાલ ન બાંધનારા અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનારા આ મિત્રોની ધરપકડ કરી હતી.

અનલોકમાં પણ અનેક લોકો નિયમોનું પાલન ન કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે એસજી હાઇવે પર પણ એક એવો કિસ્સો બન્યો જે જાણીને નવાઈ લાગે. એસજી હાઇવે પરના ઇસ્કોન બ્રિજ પર કેટલાક મિત્રો ટોળે વળીને માસ્ક પહેર્યા વગર સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ સેલ્ફી લેતા હતા. તેવામાં સેટેલાઇટ પોલીસની વાન ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે ગાડી રોકીને આ તમામ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે આ તમામ લોકો અનેક સમય બાદ બહાર ગ્રુપમાં નીકળ્યાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. પણ કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ બંધાયેલી હોવાથી પોલીસે સહેજ પણ કચાશ રાખી ન હતી.

પોલીસે આ તમામ લોકો સામે ગુનો નોંધી તેમની જાહેરનામા ભંગ ના ગુના બદલ અટકાયત કરી હતી. સેટેલાઇટ પોલીસે કાલુપુરમાં રહેતા મોહમદ ફાઇઝ શેખ, અદનાન ખાન પઠાણ, મહમદ ઇરફાન શેખ, મહમદ ઓસામા મલેક, બિલાલ સૈયદ, મુશરફ મલા, વેજલપુર માં રહેતા અબ્દુલા રજાક શેખ, જમાલપુરમાં રહેતા સાદ અલગોટાવાલા, આસ્ટોડીયામાં રહેતા અતિક ભવરવાલા, પાલડીમાં રહેતા ફઇમ સીધા, જમાલપુરમાં રહેતા સાકીબ મદોસરવાલા અને કાલુપુરમાં રહેતા મહમદ ઉજેર અરબ નામના યુવાનોની ધરપકડ કરી હતી.