સુરતમાં કોરોના બેકાબુ, ૧૮૦૦ બેડ, ૨૦૦ વેન્ટિલેટર મંગાયા…

5

સુરત : શહેરમાં કોરોનાની સારવાર માટે રોજ ૩૦૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. કોરોનાનો બીજો તબક્કો ગંભીર તબક્કામાં પ્રવેશ્યો છે, ત્યારે કોરોનાને નાથવા રાજ્ય સરકારે ખાસ સુરત મોકલેલા જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર એમ.થૈનારસને જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર માટે ઓક્સિજન સુવિધાથી સજ્જ નવા ૧૮૦૦ બેડ તૈયાર થઇ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં જે દર્દીઓની હાલત સ્થિર હોય અને ઓક્સિજનની જરૂર નહીં હોય તેમને સમરસ કે કોવિડ કેર સેન્ટરમાં ખસેડી જરૂરતમંદ દર્દીઓને દાખલ કરવામાં આવશે.
એમ.થૈનારસને જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક યોજી તેમની ડિસ્ચાર્જ પોલિસીની સમીક્ષા કરવામાં આવી છે. જે દર્દી રૂમ એર પર એટલે કે ઓક્સિજન સપોર્ટ વગર સારવાર હેઠળ છે તેમને રજા આપી ઓક્સિજનની જરૂર છે તેવા દર્દીઓને દાખલ કરવામાં આવશે. આનો અમલ કરવા માટે પાલિકાની ટીમ ખાનગી હોસ્પિટલની મુલાકાત લેશે. દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે નવા ૧૮૦૦થી વધુ બેડ ઊભા થઇ રહ્યા છે. આ તમામ બેડ ઓક્સિજનથી સજ્જ હશે. નવી સિવિલની કિડની હોસ્પિટલમાં ૮૦૦ બેડ તૈયાર થઇ રહ્યા છે.
થૈનારાસને ઉમેર્યુ હતું કે, ભેસ્તાન ખાતે આવેલા રેનબસેરામાં ૨૫૦ ઓક્સિજન બેડનું આયોજન કરવામાં આવ્યું છે. સમરસ ખાતે ૪૫૦ ઓક્સિજન બેડ, અલથાણ વિસ્તારમાં શેલ્ટર હોમમાં ૩૫૦ ઓક્સિજન બેડ કાર્યરત કરવામાં આવશે. સ્મીમેર ખાતે નવા ૧૧૫ બેડ ઊભા કરવામાં આવશે. શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ મળી ૭૫૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. નવા ૨૦૦વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા છે. સ્મીમેરમાં ૧૬૦ વેન્ટિલેટર બેડ વધારીને ૨૬૦ કરવામાં આવશે તથા નવી સિવિલ ખાતે ૩૦૫ વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે જે વધારવામાં આવશે. એક દિવસ માટે ઓેક્સિજનનો પ્રશ્ન સર્જાયો હતો, પરંતુ હવે ઓક્સિજનનો કોઇ પ્રશ્ન નથી. હજીરા અને ઝઘડિયા ખાતેથી ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહ્યો છે.
આજરોજ શહેરના ૨૨૦ વેક્સિનેશન કેન્દ્રો બંધ રહ્યા હતા, પરંતુ આવતીકાલથી તમામ કેન્દ્રો પર વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. શહેરમાં વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એમ.થૈનારસને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા રોજના એક લાખ વેક્સિનેશનનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. પાલિકા તથા ખાનગી સંસ્થાઓના સહયોગથી આ ટાર્ગેટ હાસિલ કરવામાં આવશે. કોરોનાને નાથવા વેક્સિનેશન એક માત્ર અકસીર ઉપાય હોવાથી ખૂબ ઝડપથી તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.
રાજય સરકારની સૂચના મુજબ પાલિકાએ શહેરમાં પાંચથી દસ બેડ ધરાવતા ર્નિસંગ હોમને કોરોનાની સારવાર આપવા છૂટ આપી છે. શહેરમાં પાંચથી દસ બેડ ધરાવતા ર્નિસંગ હોમના સંચાલકો સાથે બેઠક યોજી સૂચના આપવામાં આવી હતી. ર્નિસંગ હોમમાં કેટલા બેડ છે અને મહત્તમ કેટલાને સારવાર આપી શકાશે તેની વિગત તૈયાર થઇ રહી છે. માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દીઓને ર્નિસંગ હોમમાં સારવાર આપી શકાશે.
પાલિકાએ ૧૨૦૦થી વધુ કન્ટેન્મેન્ટ ઝોન પાડી લોકોને બહાર નહી નીકળવા તાકીદ કરી છે, પરંતુ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર લોકોની અવર જવર ચાલુ હોવાથી દરેક કન્ટેન્મેન્ટ ઝોનમાં પોલીસ મૂકવામાં આવશે. પાલિકા તથા પોલીસ વિભાગ સાથે બેઠક બાદ દરેક જગ્યાએ પોલીસ જવાન મૂકવાનો નિર્ણય લેવાયો છે. ૮ કલાકની ત્રણ શિફટમાં પોલીસ મૂકી લોકોને ફરજિયાત કન્ટેન્મેન્ટ ઝોનની અંદર રહેવા માટે તાકીદ કરાશે. કન્ટેન્મેન્ટ ઝોનની બહાર નીકળનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે બેડ ઉપલબ્ધ નથી તેવા સમયે પાલિકાએ ૫૦ ખાનગી હોસ્પિટલ સાથે બેડ રિઝર્વ રાખવા કરાર કર્યા છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓેની ઉઘાડી લૂંટ સહિતની વ્યાપક ફરિયાદ બાદ પાલિકાએ ૫૧ ખાનગી હોસ્પિટલમાં અંદાજે ૧૨૦૦થી વધુ બેડ રિઝર્વ કરવા કરાર કર્યા છે. આ અંગે આજરોજ સુડા ભવન ખાતે પાલિકાના અધિકારીઓ તથા હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી.