સુરતમાં કેરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

thephotowali.com

ઉનાળો આવે એટલે કેરીના રસીયાઓ માટે આનંદમાં સમાચાર આવે અને તેઓ મનભરીને ઉનાળામાં કેરી ખાતા હોય છે અને કેરીનો રસ પીતા હોય છે. ત્યારે કેટલાક કેરીના વિક્રતાઓ કેરીને વહેલી પકવવા માટે તેમાં કાર્બાઈડ નાંખીને કેરી પકવે છે અને કેરીનું વેચાણ કરે છે. તો બીજી તરફ કેટલીક જગ્યા પર કેરીના રસમાં સેકરીન નાંખીને કેરીના રસનું વેચાણ કરવામાં આવતું હોય છે અને જ્યારે આ રીતે પકવેલી કેરી અને સેકરીનવાળો રસ ગ્રાહક ખાઈ છે ત્યારે તેનું આરોગ્ય જોખમમાં મુકાય છે.

ત્યારે સુરતના લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને કેરીના રસ અને કેરીના વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ચોકબજાર, વેડરોડ સહિતના વિસ્તારોમાં કેરી અને કેરીના રસનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કામગીરી દરમિયાન વિક્રેતાઓને ત્યાંથી કેરીના રસના સેમ્પલ અલગ બોટલોમાં લેવામાં આવ્યા હતા અને તેને સીલ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ લીધેલા સેમ્પલની ચકાસણી કરવા માટે રાજકોટ અને ભુજની લેબોરેટરીના મોકલી આપ્યા છે. આ સેમ્પલનો રીપોર્ટ એક મહિના પછી આવશે અને તે રીપોર્ટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જાણવા મળશે તો કેરીના રસના વિક્રેતાઓ વિરુદ્ધ દંડનાત્મક પગલાં લેવામાં આવશે.