સીએમ રૂપાણી આજથી ૩ દિવસ રશિયાના પ્રવાસે, હિરા ઉદ્યોગના વિકાસ માટે ૨ એમઓયુ કરાશે…

ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવા રાજયોના મુખ્યમંત્રીઓ પણ આ પ્રવાસમાં જોડાશે…

ગાંધીનગર,
સીએમ વિજય રૂપાણી રવિવાર આજથી તા.૧૧ ઓગષ્ટથી ત્રણ દિવસ માટે રશિયાના પ્રવાસે જઇ રહ્યા છે. ભારત સરકારના વાણિજય અને ઊદ્યોગ મંત્રાલય દ્વારા રશિયાના વાલ્ડીવોસ્ટોકનો આ પ્રવાસ રશિયા-ભારત વચ્ચે વેપાર ઊદ્યોગ જોડાણ અને સહભાગીતાના પ્રોત્સાહન સંબંધોના હેતુસર યોજવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજય અને ઊદ્યોગ મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમાં રશિયા પ્રવાસે જનારા આ પ્રતિનિધિ મંડળમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવા રાજયોના મુખ્યમંત્રીઓ પણ આ પ્રવાસમાં જોડાશે.
વિજય રૂપાણી આ પ્રવાસમાં સહભાગી થવા માટે શનિવારે તા.૧૦ ઑગસ્ટે મોડી રાત્રે રવાના થવાના છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના રશિયા પ્રવાસ દરમિયાન રશિયન પ્રેસિડેન્ટ પુતિન સાથે તેમણે સાઇબેરિયામાં ઇન્ડિયા-રશિયાના વેપાર-ઊદ્યોગ જોડાણ માટે જે મંત્રણાઓ કરી હતી તે સંદર્ભમાં આ પ્રવાસ મહત્વપૂર્ણ બનવાનો છે. ભારતીય પ્રતિનિધિ મંડળના આ પ્રવાસના પ્રથમ દિવસે ભારતીય ડેલિગેશન સાથે રશિયાના ડેપ્યુટી પ્રાઇમીનીસ્ટર અને રશિયન ફાર ઇર્સ્ટન ફેડરલ ડીસ્ટ્રીકટના પ્રેસિડેન્શિયલ એન્વોય યુરી તૂર્તનેવ વચ્ચે દ્રિપક્ષીય સંબંધોની વિકાસ સંભાવનાઓ અંગે બેઠક યોજાવાની છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી સેકટરના બે એમ.ઓ.યુ. પણ આ પ્રવાસ દરમિયાન સાઇન થશે. આ એમ.ઓ.યુ. અન્વયે રશિયાના યુકુટીયા રિજિયન અને ગુજરાત વચ્ચે સોર્સીસ ઓફ રફ ડાયમન્ડ માટેનો એમ.ઓ.યુ. થવાનો છે. રશિયન ફેડરેશના પ્રિર્મોસ્કી ક્રી પ્રાંત અને ગુજરાત વચ્ચે થનાર એમ.ઓ.યુ. અંતર્ગત ગુજરાતના હિરા ઊદ્યોગ સંચાલકો દ્વારા પ્રિર્મોસ્કી ક્રી પ્રાંતમાં ડાયમન્ડ કટીંગ એન્ડ પ્રોસેસીંગ યુનિટની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થશે.
ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે રશિયાના ડાયમન્ડ, ટીમ્બર, ઓઇલ એન્ડ ગેસ, એગ્રીકલ્ચર-ફૂડ પ્રોસીસીંગ, પ્રવાસન અને હેલ્થકેર તથા ફાર્મા સેકટરના વેપાર ઊદ્યોગ સંચાલકો-અધિકારીઓના સેકટરલ સેસન્સ પણ યોજવામાં આવ્યા છે. આ પ્રવાસ દરમ્યાન બી૨બી અને જી૨બી મિટિંગ્સ પણ યોજાવાની છે. ભારતીય પ્રતિનિધિ મંડળના આ રશિયન પ્રવાસમાં ડાયમન્ડ, ટીમ્બર,પેટ્રોલિયમ, ફાર્મા સેકટર સહિતના ઊદ્યોગોના ગુજરાતના ૨૮ જેટલા પ્રતિનિધિઓ પણ જોડાશે.
મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી મનોજકુમાર દાસ, ઊદ્યોગ કમિશ્નર મમતા વર્મા તથા મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ડી.એચ.શાહ પણ મુખ્યમંત્રી સાથે આ પ્રવાસમાં સાથે રહેશે. મુખ્યમંત્રી ૧૩ ઓગસ્ટે સાંજે ગુજરાત પરત આવશે.