સિધ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ’મિશન મજનુ’ ના સેટ પર થયો ઘૂંટણથી ઈજાગ્રસ્ત…

8

લખનઉ : બોલીવુડના ડૅશિંગ હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, વધુ ગંભીર ઈજા પહોચી નથી. અભિનેતા સિદ્ધાર્થ હાલના દિવસોમાં ફિલ્મ ’મિશન મજનુ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થઈ રહ્યું છે. આ એક ઍક્શન-ડ્રામા ફિલ્મ છે. જેમાં, એક્શન સીન દરમિયાન સ્ટંટ કરતી વખતે ઘૂંટણથી ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર, આ ઘટના સિદ્ધાર્થ ઉંચાઇથી કૂદકો લગાવી રહ્યો હતો અને કૂદકો લગાવતા જ તેનો ઘૂંટણ મેટલના ટુકડાની ટક્કર લાગી હતી અને તેને ઈજા પહોંચી હતી.
સિદ્ધાર્થ ઈજાગ્રસ્ત થતા સેટ પર ભાગ-દોડ થઈ ગઈ હતી. તેના ક્રૂ મેમ્બરો દ્વારા તેને ડોકટરો પાસે લઈ જવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ, સિદ્ધાર્થે કહ્યું હતું કે, તે પહેલા તેની ઈજા પર આઇસપેક લગાવશે. ત્યારબાદ, તેણે થોડી વાર આરામ કર્યો હતો અને પેન કિલર લીધા બાદ તેમણે તેનું શૂટિંગ પૂરું કર્યું હતું. કોરોના મહામારી વચ્ચે નિર્માતાઓએ ઘણું બધું નુકસાન ભોગવ્યું હતું. સિદ્ધાર્થે આ બાબતની નોંધ લેતા ઈજાગ્રસ્ત થવા છતાં તેનું શૂટિંગ ચાલું રાખ્યું હતું.
’મિશન મજનુ’ના ડિરેક્ટર શાંતનુ બગચી છે. જ્યારે, ફિલ્મના નિર્માતાઓ રોની સ્ક્રુવાલા, અમર બુટલા અને ગરીમા મહેતા છે. આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને દક્ષિણની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના છે. આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે. તે ભારત-પાકના રૉ-મિશન પર આધારિત છે. ફિલ્મનો ફર્સ્ટ લુક તાજેતરમાં રિલીઝ થયો હતો. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીથી લખનઉ ખાતે થઈ રહ્યું છે.