સાહિત્ય જેનું સ્પંદન અને કલા જેનો ધબકાર છે એવો પ્રદેશ એટલે કાઠિયાવાડ…

સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિનું સંગમ એટલે સુરેન્દ્રનગર…


કાઠિયાવાડમાં હાલાર, ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ પ્રદેશોનો સમાવેશ થાય છે.આ પ્રદેશના જિલ્લાઓ એટલે ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને મોરબી.
“આજે પહેલી ઓગષ્ટ એટલે ઝાલાવાડનો  73મો જન્મદિવસ”

જે ભૂમિના પાણીએ તમારા હૃદયના મૂળને સિંચ્યા હોય તથા એ ભૂમિ પર રચાયેલી ઈતિહાસ અને સાહિત્યની પરંપરાએ તમને હૃદયથી સમૃદ્ધ કર્યા હોય એ ભૂમિની ધૂળ તમારામાં અલૌકિક નશો પ્રેરે અને એ માટે તમારું હૃદય લગાવ રાખે એ તો તમારી ખૂબ જ ઉંચી પ્રામાણિકતા અને અલૌકિક માનવતા દર્શાવે છે. હા હું મારા ઝાલાવાડની વાત કરું છું.
 ભરજો ભીતર ભોગાવો અને 
નીરખજો ચામુંડ ચોટીલો.. 
ઝાંખરે, કાંકરે શેઢે શેઢે.. 
હે સુરેન્દ્રનગર હું મળીશ જ..
ભોગાવાના કાંઠે વહેતી ખમીરવંતી સંસ્કૃતિ એટલે ઝાલાવાડ. સાહસમાં નૈત્તિકતા ભળે અને જે ઉપજે એ ખમીર. અહીંના નપાણિયા પ્રદેશના  ખમીરવંતા પાણીદાર માણસો અને એમની લહેકાદાર મીઠી ઝાલાવાડી બોલી એ ઝાલાવાડની ઓળખ,  માથે પાઘડીનું ભુમતું અને આંખમાં ખારાશ લઇને આગતા સ્વાગતા માટે દૂર દૂર સુધી મહેમાનોની વાટ જોતાં અને મહેમાન આવે ત્યારે હરખ પદૂડા થઈ ડેલીએ તેડવા જતાં ઝાલાવાડી લોકોની મહેમાનગતિ એકવાર માણવી જ રહી.
કવિ દલપતરામ, ઝવેરચંદ મેઘાણી, મનુભાઇ પંચોળી, કુમારપાળ દેસાઇ, કુંદનિકા કાપડિયા, જયંત કોઠારી, લાભશંકર ઠાકર, મીનપિયાસી, દિલીપ રાણપુરા, એસ.એસ.રાહી,બાબુભાઇ રાણપુરા, શાહબુદ્દીન રાઠોડ, હરસુર ગઠવી, રમેશ આચાર્ય, ડોલરદાન ગઢવી, હેમુગઠવી, જગદીશ ત્રિવેદી અને હર્ષદત્રિવેદી નાગજીભાઇ દેસાઇ વગેરે સાહિત્યકારો અને કલાકારો એ આ ભુમિની દેન છે.
અહીંનું મુખ્ય મથક સુરેન્દ્રનગર છે. જે અંગ્રેજોના સમયે કાંપ તરીકે ઓળખાતું વઢવાણના ભૂતપૂર્વ રાજા સુરેન્દ્રનગર સિંહજીના નામ પરથી    હવે 1947 થી સુરેન્દ્રનગર તરીકે ઓળખાય છે. ભોગાવો નદીને કાંઠે જુનુ શહેર વઢવાણ જે પહેલા વર્ધમાનપુરી તરીકે ઓળખાતું એ આવેલું છે અને બરાબર સામે કાંઠે સુરેન્દ્રનગર વસેલું છે. આ જિલ્લાની પડોશમાં  કચ્છ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે.
અહીંની એન.ટી.એમ અને એન. ડી.આર હાઇસ્કુલ તથા જિલ્લા લાઈબ્રેરી અંગ્રેજ કાળની ઝાંખી કરાવે છે. અહીં મુખ્ય બેરિંગ, મશીનરી, દવાઓ, સિરામિક, મીઠું અને કેમિકલ્સ બનાવવના ઉદ્યોગો  વિકસ્યાં છે. તથા બાજરી, જુવાર,ઘઉં, એરંડા,કપાસ,જીરું,ચણા,મગ,તલ,રાઇ,મરચાં,એ અહીંના મુખ્ય પાકો છે.
વઢવાણ, લીંબડી, લખતર, ધ્રાંગધ્રા, સાયલા,ચોટીલા, મૂળ, દસાડા, ચુડા, થાનગઢ, ચુડા જેવા અગિયાર તાલુકા ધરાવતો આ જિલ્લામાં લખતર, ધ્રાંગધ્રા, અને વઢવાણનો ગઢ જોવાલાયક છે. એ સિવાય અહીં ચોટીલાનું ચામુંડમાંનુ મંદિર અને જરિયા મહાદેવ, તરણેતરનું ત્રિનેત્રેશ્વર મંદિર, ઝાખણનું રામચંદ્ર મંદિર, લાલજી મહારાજની જગ્યા સાયલા, જૈનતીર્થ ડોળિયા અને શિયાણી, વઢવાણમાં સ્વામીનારાયણ મંદિર, રાણકદેવીનું મંદિર, હવામહેલ, માધાવાવ, વાઘેશ્વરી માતાનું મંદિર, નગટી વાવ મેલડી માતા, કાનેટી હનુમાન, ગણપતી ફાટસર તથા મુળીમાં માંડવરાયજીનું મંદિર અને સ્વામીનારાયણ મંદિર અને શાલીગ્રામ આશ્રમ, મેલડી માતાનું મંદિર -સરા, ગેથડા હનુમાન – લખતા, રાજ રાજેશ્વરી માતાનું મંદિર- ઝિંઝુવાળા, વડવાળા મંદિર -દૂધરેજ, તથા ધ્રાંગધ્રામાં જોગાસર, રામદેવપીર મંદિર – પીપળીધામ, નાયકા બંધ -ગૌત્તમગઢ, ધોળી ધજા ડેમ અને ત્રિમંદિર – સુરેન્દ્રનગર તથા ઘુડખર અભ્યારણ એ અહીંના જોવાલાયક તથા પોતાનો અનેરો ઈતિહાસ ધરાવતા સ્થળો છે.
અહીંની સંસ્કૃતિ સાથે લોકમેળા વણાયેલાં છે. તરણેતરનો મેળો, લીંખડીનો મેળો, અષાઢી બીજનો મેળો, વિસત માતાનો દિવાસોનો મેળો, નારીચાણાનો મેળો, એકદંતા ગણપતિનો મેળો,ગોકુળ આઠમો વઢવાણનો મેળો જેવા અનેક લોક મેળા અહીં લોકોને એક રાખવાનું તથા સાંસ્કૃતિક જતનનું કાર્ય કરે છે. અહીંની અંધ વિદ્યાલય, બાલાશ્રમ, મૈત્રી વિદ્યાપીઠ અને વિકાસ વિદ્યાલય એ માત્ર શૈક્ષણિક ઈમારતો જ નથી પણ અહીંની માનવતા અને નમ્રતાની ઓળખ ધરાવતા કેન્દ્રો છે. અહીં ગવર્મેન્ટ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ આવેલી છે. તથા સી. યુ. શાહ સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટી વિકાસ પામી છે.
વણેલા ગાંઠિયા અને જલેબીના શોખીન ઝાલવાડીઓ વેપારમાં એમની કોઠાસૂઝને કારણે પ્રખ્યાત છે. અહીનું ફરસાણ, સિકંદરની સિંગ અને વઢવાણી મરચાં વખણાય છે અને દેશવિદેશમાં જાય છે. રાસમાં તલવારો ઉડાડતી અહીંની ભરવાડ,દરબાર અને કોળી પ્રજા તેમની ખુમારી માટે જાણીતી છે.
પાંચ વર્ષની દિકરીથી માંડી નેવું વર્ષની વૃદ્ધા પ્રત્યે સ્રી દાક્ષણ્ય, દરબારોનો ભુ દેવો પ્રત્યેનો લગાવ,  વાતોમાં ભારોભાર ઉમળકો અને દાતારી એ અહીંની પ્રજા તથા સંસ્કૃતિની અનોખી અને વિરલ ઓળખ છે.
જ્યારે જ્યારે ભવિષ્યમાં ગુજરાતની યુગવંદના ગવાશે ત્યારે …ત્યારે મારા ઝાલાવાડનું નામ હૃદયનાદથી ધૃવપંક્તિમાં ગવાશે…

  • લેખક :- ઠાકર એકતા ઉપેન્દ્રકુમાર (હાલ મુખ્ય શિક્ષક બામણગામ પ્રાથમિક કન્યા શાળા, આણંદ)
16, અરુણોદય સોસાયટી, જીનતાન રોડ, સુરેન્દ્રનગર