સલમાન-શાહરૂખનું એક્શન દ્રશ્ય બુર્જ ખલીફાની ટોચ પર…

13

મુંબઇ : શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ ફરી એક વાર રૂપેરી પડદા પર સાથે જોવા મળશે. નવી ફિલ્મ છે ‘પઠાણ’. આ ફિલ્મનું શૂટિંગ દુબઈની વિખ્યાત ગગનચૂંબી ઈમારત બુર્જ ખલીફા પર કરવામાં આવશે એવા અહેવાલો છે. બોલીવૂડની આ પહેલી જ ફિલ્મ હશે જેનું શૂટિંગ આ ઈમારત પર કરવામાં આવશે. નિર્માતાઓ સૌથી મોટો ક્લાઈમેક્સ સીન બુર્જ ખલીફાની અંદર અને ટોચ પર કરવા વિચારે છે.
તે એક્શન દ્રશ્યમાં શાહરૂખ અને દીપિકા ઉપરાંત જોન અબ્રાહમ હશે. ખલનાયક જોનને ઝડપી લેવા માટેના તે દ્રશ્યમાં ભારતની જાસુસી સંસ્થા રોના એજન્ટ ‘ટાઈગર’ તરીકે સલમાન ખાન પણ જોડાશે. ફિલ્મમાં સલમાન મહેમાન કલાકાર તરીકે હશે. એ દ્રશ્ય ૨૦-૨૫ મિનિટનું હશે અને તેનું શૂટિંગ પંદરેક દિવસ સુધી ચાલે એવી ધારણા છે. ‘પઠાણ’ ફિલ્મ શાહરૂખની કમબેક ફિલ્મ હશે. એ છેલ્લે ૨૦૧૮માં ‘ઝીરો’માં દેખાયો હતો. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘પઠાણ’ આ વર્ષે દિવાળીમાં રજૂ કરાય એવી ધારણા છે.