સર્જિકલ સ્ટ્રાઇક અંગે મનમોહન સિંહે આપ્યું મોટું નિવેદન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું માનવું છે કે, BJP સૈન્ય અભિયાનોનો ચૂંટણી લાભ લેવાનો પ્રયત્ન કરી રહી છે, જે નિંદનીય છે. મનમોહન સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારના કાર્યકાળમાં પણ બહારના જોખમો સામે પહોંચી વળવા માટે સૈન્યને ખુલ્લી છૂટ હતી. તે દરમિયાન ઘણી સર્જિકલ સ્ટ્રાઈક થઈ. તેમણે કહ્યું હતું કે, અમે સૈન્ય અભિયાન ચૂંટણી લાભ લેવા માટે નહીં, પરંતુ ભારત વિરોધી તત્વોને જવાબ આપવા માટે કર્યો હતો.

લોકસભા ચૂંટણીના અંતિમ ચરણમાં BJP મોદીને સૌથી વધુ મજબૂત વડાપ્રધાન તરીકે રજૂ કરી રહી છે. તેને તમે કઈ રીતે જુઓ છો? આ પ્રશ્નના જવાબમાં મનમોહન સિંહ કહ્યું હતું કે, દેશની રાષ્ટ્રીય સુરક્ષાની સાથે ખિલવાડ કરવો અસ્વીકાર્ય છે. સૌથી સુરક્ષિત રાષ્ટ્રીય રાજમાર્ગ પર પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહિદ થયા. આ ગંભીર ગુપ્ત અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને વિફળતા છે. જ્યારે આ સામે આવ્યું કે, CRPF અને BSF સૈનિકો એરલિફ્ટ કરવાનો અનુરોધ કરી રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે તેનો ઈનકાર કરી દીધો હતો. સરકારે આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસને એક IED હુમલા અંગે મળેલી પુખ્ત જાણકારીને પણ નજરઅંદાજ કરી દીધી, આ ઉપરાંત એક આતંકવાદી સંગઠનની વીડિયો ચેતવણી સામે પણ આંખ આડા કાન કરવામાં આવ્યા.

છેલ્લાં 5 વર્ષોમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ પંપોર, ઉરી, પઠાનકોટ, ગુરદાસપુર, સુંજવાન આર્મી કેમ્પમાં ભારતના સૈન્ય પ્રતિષ્ઠાનોને વારંવાર નિશાનો બનાવ્યા અને ત્યાં સુધી કે અમરનાથ યાત્રા પર પણ હુમલો કર્યો. અવસરવાદી PDP-BJP સરકારને કારણે છેલ્લાં 5 વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં આંતરિક સુરક્ષાની સ્થિતિ ઝડપથી બગડી છે. સૌને યાદ અપાવી દઉં કે, અમારી સશસ્ત્ર સેનાઓને હંમેશાં દરેક ખતરા સામે જવાબ આપવાની ખુલ્લી છૂટ છે. છેલ્લાં 70 વર્ષોમાં સત્તામાં આવેલી સરકારોએ પણ ક્યારેય આપણી સશસ્ત્રદળોની વીરતા પાછળ સંતાવું નથી પડ્યું. આપણી તાકાતોના રાજનીતિકરણના આવા પ્રયાસ શરમજનક અને અસ્વીકાર્ય છે. આ બધું આર્થિક મોરચા પર નોકરીઓ, ગ્રામીણ સંકટો પર, MSME પર મોદી સરકારની અકારણ વિફળતા પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યું છે.