સરકાર PUC સર્ટીફીકેટનો આગ્રહ રાખે છે, પરંતુ રાજયમાં ગણ્યા ગાંઠયા જ PUC સેન્ટરો છે તેનું શું..?

રાજયમાં નવા પીયુસી સેન્ટરો ખોલવાની પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલશે ત્યારે સરકારે પીયુસી સર્ટીફીકેટ માટે ૩૧ ડીસેમ્બર ૧૯ અથવા જાન્યુઆરી ૨૦ સુધીની મુદત આપવા પ્રબળ બનતી લોક લાગણી…

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટની તમામ જોગવાઇઓના કડક અમલ માટે ભારે દંડની જોગવાઇ કરીને કડક અમલવારી કરતા સરકારના આ નિર્ણય અને દંડની રકમ સામે ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જેને લઇને કેન્દ્ર રાજય સરકારોને ભારે મુશ્કેલીમાં મુકાવાનો સમય આવી રહ્યો છે. ગુજરાતની રૂપાણી સરકારે બહુ ઝડપથી કેન્દ્રના નિયમોનો રાજયમાં અમલ કરાવવાની શરૂઆતો કરી દીધી છ.ે અને જાહેરાત કર્યા પછી પી.યુ.સી. સર્ટીફીકેટ નંબર પ્લેટની બાબતમાં બાંધછોડ કરી મુદત વધારવાની પણ નોબત આવી છે.

આવી પરિસ્થિતી વચ્ચે ફરીથી રાજય સરકાર અને વાહન વ્યવહાર ખાતા વચ્ચે સંકલન ન હોવાથી હાસ્યાસ્પદ બાબત પીયુસી સર્ટીફીકેટ પ્રશ્ને બહાર આવી છે જે રાજય સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. વાત એવી છે કે કેન્દ્રના વાહનોને લગતી દંડની રકમમાં સુધારા કરી ગુજરાતની રૂપાણી સરકારે ઝડપથી અમલ કરવાની જાહેરાત કર્યા બાદ હોબાળો મચતા તા. ૧ર ના રોજ ફરીથી પીયુસી સર્ટીફીકેટ માટેની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર અને એચએસઆરપીની નંબર પ્લેટ માટે ૧૬ ઓકટો. સુધીની મુદત વધારવી પડી છે.

હવે નવાઇની વાત એ છે કે રાજયમાં પીયુસી સેન્ટરની સંખ્યા જ નહિવત હોય રાજયમાં અધધધ કહી શકાય તેટલા ૧૧૦૦ પીયુસી સર્ટીફીકેટ સેન્ટરો ખોલવા માટે વાહન વ્યવહાર ખાતાએ તા. ૧૪ સપ્ટેમ્બરના દૈનિકોમાં જાહેરાત આપીને આ માટે ૪ ઓકટોબર સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવી છે.