સમયે સમયે નોટો-સિક્કાઓના આકાર-ફીચર્સ શા માટે બદલો છો : બોમ્બે હાઇકોર્ટ

બોમ્બે હાઇકોર્ટે આરબીઆઇને ખખડાવી નાંખી…

મુંબઇ,
નોટબંધી પછી ભારતીય રિઝર્વ બેન્ક સતત નવી નોટો અને સિક્કાઓ જારી કરી રહી છે. પણ હવે આ જ મામલે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આરબીઆઇ પાસે જવાબ માંગ્યો હતો કે સમયે સમયે નોટો અને સિક્કાઓના આકાર તેમજ ફીચર્સ શા માટે બદલવામાં આવી રહ્યા છે.
વાસ્તવમાં નેશનલ એસોસિએશન ઓફ ધ બ્લાઈન્ડ તરફથી બોમ્બે હાઈકોર્ટની એક અરજી દાખલ કરી છે. અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયધીશ પ્રદીપ નંદરાજોગ અને ન્યાયમૂર્તિ એન એમ જામદારની ખંડપીઠે આરબીઆઈના આ પગલા પર સવાલ કર્યો છે.

કોર્ટે આરબીઆઇને આ સમગ્ર મામલે ૬ અઠવાડિયામાં એફિડેવીટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે એફિડેવીટમાં આરબીઆઇના નવા સિક્કા અને નોટોમાં વિશેષ રૂપે વિશેષતાઓને દર્શાવવાનો દિશા-નિર્દેશ માંગ્યો છે. જો કે બોમ્બે હાઈકોર્ટે એ પણ જણાવ્યુ કે માર્ચમાં આરબીઆઇએ વિશેષ ફિચર્સ સાથે નવા સિક્કાઓ જારી કર્યા હતા. આ સિક્કાઓની ખાસીયત એ હતી કે અંધ લોકો પણ તેની ઓળખાણ કરી શકશે.