સમગ્ર વિશ્વ યોગના રંગે રંગાયુ : તમામ રાજ્ય સરકારોએ ઠેર ઠેર યોજ્યા યોગાસનના કાર્યક્રમો

  • પતંજલી દ્વારા ૧ લાખ ગામોમાં યોગના કાર્યક્રમો યોજાયા : લડાખમાં જવાનોએ માઈનસ ૨૦ ડીગ્રી તાપમાનમાં યોગા કર્યા

નવી દિલ્હી,

પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ભારત સહિત વિશ્વભરમાં ઠેર ઠેર આજે યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની સાથે સાથે તમામ રાજ્ય સરકારોએ પણ ઠેર ઠેર યોગાસનના કાર્યક્રમો યોજી લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા હાકલ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં યોગના  કાર્યક્રમમાં ભાગ લીધો જેમાં ૪૦,૦૦૦ લોકો સામેલ થયા છે. આ વર્ષે યોગ દિવસનું થીમ છે ‘કલાઈમેટ એકશન’.

રાષ્ટ્રપતિ ભવનમાં પણ યોગના કાર્યક્રમ યોજાયો હતો તો લડાખમાં આઈટીબીપીના જવાનોએ માઈનસ ૨૦ ડીગ્રી તાપમાનમાં અકીલા યોગા કર્યા હતા. પાણીથી લઈને પહાડ સુધીના વિસ્તારોમાં યોગાસનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેશના અલગ અલગ શહેરોમાં અનેક કેન્દ્રીય પ્રધાનોએ યોગ કાર્યક્રમમા હિસ્સો લીધો હતો. ગૃહમંત્રી અમિત શાહે હરીયાણાના રોહતકમાં, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે રાજપથ પર યોગા કર્યા હતા. બીજી તરફ યોગગુરૂ રામદેવજીએ મહારાષ્ટ્રના નાંદેરમાં યોગના પ્રકારો શીખવાડયા હતા. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હીમાં યોગા કર્યા હતા. આજે દેશભરમાં લગભગ ૧૩ કરોડ લોકો અલગ અલગ જગ્યાએ યોજાયેલા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. દિલ્હીમાં જ ૩૦૦ જેટલી જગ્યાએ યોગના કાર્યક્રમો યોજાયા હતા.

નીતિન ગડકરીએ નાગપુરમાં, ડો. હર્ષવર્ધને ભાજપના હેડ કવાર્ટરમાં, પુરૂષોતમ રૂપાલાએ કરતાલનગરમાં યોગાસનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રામદેવજીના પતંજલી દ્વારા દેશભરના એક લાખ ગામોમાં યોગના કાર્યક્રમો યોજાયા હતા.

અત્રે એ નોંધનીય છે કે ૨૧ જૂન ૨૦૧૫મા દુનિયાભરમાં પહેલીવાર યોગ દિવસ મનાવાયો હતો. તે પછી દર વર્ષે તેનો વ્યાપ વધતો જાય છે. યોગથી શરીર, મગજ, ભાવના અને ઉર્જા પર સકારાત્મક  અસર પડે છે. યોગ એક અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારીત છે. જે શરીર અને મગજ વચ્ચે સંતુલન રાખે છે.