સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં વધારો

એપ્રિલ બાદ સતત બીજા મહિને એટલે કે મે મહિનામાં પણ વગર સબસિડી વાળા રસોઇ ગેસની કિંમતમાં 5.70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સબસિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં નજીવો બદલાવ થયો છે. ઇન્ડિયન ઓઇલે બુધવારના રોજ LPG સિલિન્ડરની નવી કિંમતોની જાહેરાત કરી હતી.

આ અનુસાર દિલ્હીમાં વગર સબસિડીવાળા 14.2 કિલોગ્રામ સિલિન્ડરની નવી કિંમત 712.50 રૂપિયા હશે, જે એપ્રિલમાં 706.80 રૂપિયા હતા. જ્યારે સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 28 પૈસાના વધારા સાથે 496.14 પર પહોંચી ગઇ છે, જે એપ્રિલ મહિનામાં 495.86 રૂપિયા હતી.

સરકાર એક નાણાકીય વર્ષમાં એક પરિવારને ફક્ત 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. આ સબસિડી સીધા ગ્રાહકોના ખાતામાં જમા થાય છે.