સન્ની દેઓલ BJPમાં સામેલ, પંજાબની આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે લોકસભાની 116 મહત્ત્વની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન અભિનેતા સન્ની દેઓલે BJPમાં પ્રવેશ કરી લીધો છે. આ અંગેની અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી. મંગળવારે તેમણે વિધિવત BJPમાં પ્રવેશ કરી લીધો હતો. આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલે તેમને કેસરીયો પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

પાર્ટીના અંદરના સૂત્રો અનુસાર સન્ની દેઓલ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં BJP નું અકાલી દળ સાથે ગઠબંધન છે. ગુરદાસપુર બેઠક પરથી આ પહેલા વિનોદ ખન્ના પણ BJPની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બેઠક BJPની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે તેથી સન્ની દેઓલ માટે આ બેઠક પરથી જીતવું વધારે મુશ્કેલ નહીં રહે.

સન્ની દેઓલે કહ્યું હતું કે, જે રીતે મારા પિતા આ પરિવાર અને અટલ બિહારી વાજપેયી સાથે જોડાવા માટે આવ્યાં હતા એ રીતે હું પણ PM મોદી સાથે જોડાવા આવ્યો છું. હું ઇચ્છું છું કે PM મોદી આગામી પાંચ વર્ષ માટે વડાપ્રધાન બને કારણ કે આપણે આગળ વધવા માગીએ છીએ. દેશના યુવાઓને મોદી જેવા લોકોની જરૂરિયાત છે. હું આ પરિવાર સાથે જોડાઇને જે કરવા માગું છું તે દિલથી કરતો રહીશ.