સત્તા સંભાળતા જ બાઇડન એક્શનમાં : ટ્રમ્પના આઠ નિર્ણયો પલ્ટાવ્યાં…

અમેરિકામાં ૧૦૦ દિવસ માટે માસ્ક પહેરવું ફરજીયાત કરાયું…

અમેરિકા પેરિસ સમજૂતીમાં ફરી સામેલ થશે, ડબલ્યુએચઓમાંથી હટી જવાનો ફેંસલો અટકાવ્યો, ટ્રમ્પ પ્રસાશને જે મુસ્લિમ દેશોમાં પ્રતિબંધ ફરમાવ્યો હતો તેને પરત લીધો, બોર્ડર પર દિવાલ બનાવવાનો ફેંસલો અટકાવ્યો, ફન્ડીંગ પણ અટકાવ્યું, રંગભેદને સમાપ્ત કરવા પણ એલાન…

પ્રવાસીઓને રાહત આપતા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા, ૧.૧ કરોડ એવા પ્રવાસીઓને ફાયદો થશે જેની પાસે કોઇ કાયદાકીય દસ્તાવેજ નથી જેમાં ૫ લાખ ભારતીયો સામેલ…

USA : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને સત્તા સંભાળતાંની સાથે જ તેઓ એકશનમાં આવી ગયા છે. બાઇડેને એક પછી એક તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પના અનેક નિર્ણયોને રદ કરીને ઘણા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. દરમ્યાન બાઇડેને પણ પ્રવાસીઓને રાહત આપતા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશથી ૧.૧ કરોડ એવા પ્રવાસીઓને ફાયદો થશે જેની પાસે કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી. તેમાં લગભગ ૫ લાખ ભારતીય છે.
બાઈડને કોરોના વાઈરસ અંગેના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ માસ્કને ફેડરલ પ્રોપર્ટી જાહેર કરાઈ છે, એટલે કે દરેક વ્યક્તિએ મહામારી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી રહેશે. જો તમે સરકારી બિલ્ડિંગમાં છો અથવા કોરોના હેલ્થવર્કર છો તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત હશે. ટ્રમ્પે માસ્ક માટે કોઈ સખતાઈ નહોતી કરી.
જો બાઇડેને શપથ લીધા બાદ સૌપ્રથમ ઇમિગ્રેશન સિસ્ટમમાં સંપૂર્ણપણે ફેરફાર કરવાનું શરૂ કર્યું. તેમના આદેશો હેઠળ ઘણા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા જે ટ્રમ્પના વિવાદાસ્પદ ઇમિગ્રેશન નીતિઓને બદલનાર છે. જો બાઇડેને અમેરિકન કોંગ્રેસને વિનંતી કરી છે કે ૧.૧ કરોડ ગેરકાયદેસર પ્રવાસીઓની સ્થાયી દરજ્જો અને તેમના નાગરિકત્વ માટેનો માર્ગ મોકળો કરતાં કાયમી દરજ્જાની ખાતરી કરવા માટેનો કાયદો બનાવ્યો. એક અનુમાન મુજબ ભારતીય મૂળના લગભગ ૫ લાખ લોકો એવા છે કે જેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નથી.
અમેરિકા હવે પેરિસ સમજૂતીમાં ફરી સામેલ થશે. ટ્રમ્પે ૨૦૧૯માં આ સમજૂતીથી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત, ચીન અને રશિયા પ્રદૂષણને વધારી રહ્યા છે, સાથે જ અમેરિકા આ મામલામાં સારી કામગીરી કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ સમજૂતીથી બહાર થયા પછી અમેરિકા ૭૦ વર્ષમાં પહેલી વખત ઓઈલ અને કુદરતી ગેસનું નંબર વન ઉત્પાદક બની ગયું છે.
બાઈડને મેક્સિકો બોર્ડરના ફંડિંગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે મેક્સિકોથી આવતા પ્રવાસીઓને જોતાં દીવાલ બનાવવાને નેશનલ ઈમર્જન્સી ગણાવી હતી.
હવે અમેરિકા ફરીથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું સભ્ય હશે. બાઈડને ગત વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે જો અમેરિકા ગ્લોબલ હેલ્થને મજબૂત કરશે તો તે પોતે પણ સુરક્ષિત રહેશે.રાષ્ટ્રપતિ બન્યાના પહેલા દિવસે જ અમેરિકાની વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થામાં વાપસી કરાવીશ. ટ્રમ્પે ગત વર્ષે અમેરિકાને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.
બાઇડેને મુસ્લિમો પરનો પ્રતિબંધ હટાવવાના ટ્રમ્પના નિર્ણયને પલટી દીધો છે. ૨૦૧૭ માં ટ્રમ્પે મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશો ઇરાક, ઇરાન,લિબિયા, સોમાલિયા, સૂડાન, સિરિયા અને યમન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાઇડેને આ દેશોના લોકો માટે વિઝા પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જેમને નુકસાન થયું છે તેમને વળતર આપવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

  • Naren Patel