સતત ૨૨મા દિવસે પેટ્રોલમાં ૫ પૈસા અને ડિઝલમાં ૧૩ પૈસાનો વધારો…

દિલ્હીમાં પેટ્રોલ ૮૦.૪૩ અને ડિઝલ ૮૦.૫૩ની સપાટીએ…

ન્યુ દિલ્હી : પેટ્રોલ અને ડીઝલમાં રવિવારે થોડી રાહત મળી હતી. સતત ૨૧ દિવસ સુધી ભાવ વધારો થયા બાદ રવિવારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઇ વધારો નહોતો થયો, પરંતુ રાહતના આગલા જ દિવસે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થયાં છે. સોમવારે અઠવાડિયાના પહેલા જ દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમતમાં ૦.૦૫ રૂપિયાન વધારો નોંધાયો છે.
આ તેજી સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પટ્રોલની કિંમત વધીને ૮૦.૪૩ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઇ છે. પેટ્રોલથી પણ વધુ ખરાબ હાલ ડીઝલના છે. અત્યાર સુધી ડીઝલની કિંમત હંમેશા પેટ્રોલથી ઓછી જ હેતી હતી, પરંતુ હવે ડીઝલ પેટ્રોલને પણ પાછળ છોડી ચૂક્યું છે. સોમવારે રાજધાની દિલ્હીમાં ડીઝલ ૧૩ પૈસા મોંઘું થયું. જે બાદ ડીઝલ ૮૦.૫૩ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં ૫ પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં ૧૩ પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ ૭૭.૯૧ રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ ૭૭.૮૫ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે, પરંતુ ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. હાલ ઈન્ડિયન બાસ્કેટ ક્રૂડ ઓઈલની કિંમત ૪૨ ડૉલર પ્રતિ બેરલની આસપાસ છે, પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતો આ મહિને સતત વધતી જોવા મળી છે. જેના પગલે છેલ્લા ૨૩ દિવસોમાં જ ડિઝલની કિંમતમાં ૧૧.૨૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જ્યારે પેટ્રોલના ભાવ પર ૯.૧૭ રૂપિયા જેટલા વધ્યા છે.