સતત સાતમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો : મ.પ્રદેશમાં પેટ્રોલ સદી ફટકારી…

25

ન્યુ દિલ્હી : પેટ્રોલ ડિઝલના ભાવમાં ભડકો ચાલુ જ છે. આજે સતત સાતમા દિવસે પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થવાના કારણે મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રિમિયમ પેટ્રોલનો એક લિટરનો ભાવ ૧૦૦ રુપિયા પર પહોંચી ચુક્યો હતો.
મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ ૯૦ રુપિયા ઉપર તો છે જ અને મેટ્રો સિટીમાં ૯૫ રુપિયા છે.જ્યારે સંખ્યાબંધ શહેરમાં તો પ્રીમિયમ પેટ્રોલ હવે ૧૦૦ રુપિયા પર પહોંચી ચુક્યુ છે.
એકસ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ ભોપાલમાં આજે ૯૯.૯૯ રુપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો હતો.જ્યારે નોર્મલ પેટ્રોલનો ભાવ ૯૬.૬૯ રુપિયા થયો હતો.
જોકે એક સમસ્યા એવી પણ ઉભી થઈ છે કે, પ્રીમિયમ પેટ્રોલનો ભાવ ત્રણ આંકડામાં પહોંચ્યા બાદ ઘણા પેટ્રોલ પંપના મશિનો ત્રણ આંકડાની ફિગર બતાવી શકતા નથી.જેના કારણે વેચાણ રોકી દેવાની ફરજ પડી છે.
રાજસ્થાનના શ્રીગંગાનગરની વાત કરવામાં આવે તો અહીંયા વેટ સૌથી વધારે લાગુ પડતો હોવાથી નોર્મલ પેટ્રોલનો ભાવ ૯૯.૨૯ રુપિયા થઈ ગયો છે જ્યારે ડિઝલનો ભાવ ૯૧.૨૭ રુપિયા પર પહોંચ્યો છે. જ્યારે પ્રીમિયમ પેટ્રોલ તો ૧૦૨ રુપિયા પ્રતિ લિટર પર પહોંચ્યુ છે. દરમિયાન સરકારે કહ્યુ છે કે, પેટ્રોલિયમ પ્રોડક્ટ પર ડ્યુટી ઘટાડવા માટે હાલમાં કોઈ વિચાર નથી.