શેરબજારમાં દિવાળી : સેન્સેક્સમાં ૭૯૩ અંકનો ‘હાઇજમ્પ’

FPI પરથી સરચાર્જને પરત ખેંચવાના સરકારના નિર્ણયને શેરબજારે વધાવ્યો…

સેન્સેક્સ ૭૯૩ અંકના વધારા સાથે ૩૭૪૯૪ની સપાટીએ તો નિફ્ટી ૨૨૮ અંકના ઉછાળા સાથે ૧૧૦૫૭ની સપાટીએ બંધ…

મુંબઇ,
FPI પરથી સરચાર્જ નાબૂદ કરવાથી લઈને અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકારે જાહેર કરેલા પગલાંની શેરબજાર પર આજે અસર જોવા મળી છે. શરુઆતના ઘટાડા બાદ આજે ૧૦ વાગ્યા બાદ સેન્સેક્સે રફ્તાર પકડી હતી, અને બપોરે બે વાગ્યા સુધીમાં ૭૩૯ પોઈન્ટ્‌સના ઉછાળા સાથે સેન્સેક્સ ૩૭,૪૫૦ની આસપાસ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આખરે સેન્સેક્સ ૭૯૩ પોઈન્ટ્‌સના વધારા સાથે ૩૭,૪૯૪ની સપાટી પર બંધ થયો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ કામકાજના પ્રારંભથી ઝડપથી આગળ વધતા ઈન્ટ્રાડે ૧૧૦૦૦ની સપાટી કૂદાવીને ૧૧૦૭૦ને સ્પર્શયા બાદ કામકાજના અંતે ૨૨૮.૫૦ ઉછળીને ૧૧૦૫૭.૮૫ની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં આજે બેંક શેરોએ તેજીની આગેવાની લીધી છે. છેલ્લા ઘણા સમયથી સતત ધોવાઈ રહેલા યસ બેંકે ૮.૬૯ ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો, જ્યારે એચડીએફસી ટ્‌વીન્સ પણ ૪ ટકાથી પણ વધુ ઉછળ્યા હતા. આ સિવાય કોટક બેંક, એસબીઆઈ, ઈન્ડસિન્ડ, એક્સિસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સાર્વત્રિક લેવાલી નીકળતા એલએન્ડટી, બજાજ ફાઈનાન્સ, આઈટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એશિયન પેઈન્ટ્‌સ, રિલાયન્સ, હિન્દુસ્તાન યુનિલિવર સહિતના શેર્સ પણ ઉછળ્યા હતા.
જોકે, આજે ટાટા સ્ટીલ, હિરોમોટોકોર્પ, સન ફાર્મા, બજાજ ઓટો જેવા શેરમાં નરમાઈ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપવા માટે મોટી જાહેરાતો કરી હતી. જોકે, નિષ્ણાંતોનું માનવું છે કે, સેન્સેક્સ અને નિફ્ટીમાં દરેક વધારે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે. જેના કારણે સામાન્ય રોકાણકારોએ તેજીના વહેણમાં તણાઈને મોટી ખરીદી કરવાથી હાલ બચવું જોઈએ.
એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ઈકોનોમિક ગ્રોથમાં તેજી માટે સરકારે શુક્રવારે ઘણી જાહેરાતો કરી હતી. વિદેશી રોકાણકારો પર સરચાર્જના વધારાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. બેન્કોને ૭૦ હજાર કરોડ રૂપિયાની કેશ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કારણે શેરબજારમાં ખરીદી વધી ગઈ.
સેન્સેક્સના ૩૦માંથી ૨૨ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શેર વધારા સાથે બંધ થયા હતા. પ્રાઈવેટ બેન્કના શેરમાં વધુ ખરીદી થઈ હતી. એનએસઈ પર ૧૧માંથી ૧૦ સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. ફાઈનાન્શિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ ૪ ટકા તેજી આવી હતી.
ડોલરની સરખામણીમાં રૂપિયો ૭૨.૦૮ પર આવી ગયો છે. બેન્ક અને ઈમ્પોટ્‌ર્સ તરફથી ડોલરની માંગ વધવાથી રૂપિયામાં ઘટાડો આવ્યો છે. અમેરિકા-ચીનની વચ્ચેના ટ્રેડ વોરના કારણે દબાણમાં વધારો થયો છે.