શેરબજારમાં ગુડ ફ્રાયડે : સેન્સેક્સમાં ૧૯૨૧ પોઇન્ટનો હાઇ જમ્પ…

નાણાંમંત્રીએ કોર્પોરેટ ટેક્સમાં રાહત આપતા શેરબજારમાં દિવાળી…

શેરબજારમાં ૨૦૦૯ એટલે ૧૦ વર્ષ પછીનો સૌથી મોટો ઉછાળો,રોકાણકારોની સંપત્તિમાં ૬.૮૩ લાખ કરોડનો ઉમેરો…

મુંબઇ : નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ઈન્ડિયાને ૧.૫ લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયા બાદ અને ઘરેલુ કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ને રાહત તથા અનેક અન્ય જાહેરાતોના પગલે આજે શેરબજારમાં ભર ભાદરવે દીવાળીનો માહોલ છે. કોર્પોરેટ ટેક્સમાં કાપ અને કેપિટલ ગેઈન્સ ટેક્સ સરચાર્જની છૂટથી ખુશ થયેલા રોકાણકારોએ શેરબજારમાં એક જ કલાકની અંદર ૬ લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. આવી તેજી ૧૦ વર્ષ પહેલા જોવા મળી હતી. સેન્સેક્સમાં ફક્ત એક દિવસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા ૧૮ મે, ૨૦૦૯માં બજારમાં ૨૧૧૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. હાલ બજાર ફૂલ ગુલાબી જોવા મળી રહ્યું છે. સેન્સેકસમાં ૨૨૦૦નો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ ૧૯૨૧.૧૫ પોઈન્ટના વધારા સાથે ૩૮૦૧૪.૬૨ પોઈન્ટ પર અને નિફ્ટી ૫૬૯.૪૦ પોઈન્ટના વધારા સાથે ૧૧૨૭૪.૨૦ પર બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ઉછાળાને પગલે શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં પણ વધારો થયો હતો. આજે શુક્રવારે બંધ બજારે બીએસઇની માર્કેટકેપ રૂ. ૧૪૫.૩૭ લાખ કરોડ રહી હતી. આજના ઐતિહાસિક ઉછાળાથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬.૮૩ લાખ કરોડનો ઉમેરો થયો છે.
આજે શેર માર્કેટે એક કરતાં વધારે રેકોર્ડ રચવામાં સફળતા મેળવી છે આજે એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો, માર્કેટ કૈપિટલાઈઝેશન ૧૪૩.૪૫ લાખ કરોડ પર પહોંચ્યુ તે અને એક જ કલાકમાં રોકાણકારોએ ૫ લાખ કરોડ મેળવ્યા તેનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૬.૨૮ ટકા અને ૩.૯૪ ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે ઓટો, બેન્ક, કન્ઝ્યુમર, રિયલ્ટી, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જોકે, આઈટી અને ટેકનો શેરોમાં નરમાઈ જોવા મળી હતી.
આજે વધેલા મુખ્ય શેરોમાં આઈશર મોટર્સ ૧૩.૨૧ ટકા, હિરો મોટોકોર્પ ૧૨.૫૨ ટકા, મારુતિ ૧૦.૮૯ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧૦.૭૪ ટકા, બજાજ ફાઈનાન્સ ૧૦.૧૯ ટકા, એસબીઆઈ ૧૦.૦૯ ટકા, અલ્ટ્રાસેમ્કો ૧૦.૦૨ ટકા, બ્રિટાનિયા ૯.૬૬ ટકા, M&M ૯.૫૩ ટકા, ટાઈટન ૯.૪૭ ટકા, HDFC બેન્ક ૯.૦૬ ટકા, ટાટા મોટર ૮.૮૩ ટકા, HUL ૮.૭૩ ટકાનો સમાવેશ થાય છે.
આજે ઘટેલા મુખ્ય શેરોમાં ઝી ૨.૪૯ ટકા, પાવરગ્રીડ ૨.૩૯ ટકા, ઈન્ફોસિસ ૧.૯૪ ટકા, TCS ૧.૭૪ ટકા, NTPC ૧.૫૨ ટકા અને ટેક મહિન્દ્રા ૦.૫૪ ટકાનો સમાવેશ થાય છે.