શિસ્ત-ક્ષમા અને કર્મના સરવાળારૂપી દિવ્ય વિભૂતિને ગૌરવ બક્ષવાનો દિવસ એટલે ૫મી સપ્ટેમ્બર, શિક્ષકદિન…

શિ= શિસ્તબદ્ધ જીવન
ક્ષ= ક્ષમાયુક્ત વ્યવહાર 
ક= કર્મશીલ વ્યક્તિત્વ
  • જીવનને પ્રાકૃતિક શિસ્ત પ્રદાન કરનાર, સરસ્વતીના આશિર્વાદના વાહક એટલે કે જેના માધ્યમ થકી જ શિક્ષણ વિદ્યા બને છે.જે અશિસ્ત અને ભૂલોને ક્ષમા આપે છે. તથા દૂન્યવી ઘટનાની ઘટમાળ વચ્ચે પણ જેઓ સંસ્કારોના સિંચનનું કર્મ કરતાં રહે છે.એ દિવ્ય વિભૂતિ એટલે શિક્ષક.
નાના નાના ડગ માંડીને સરસ્વતીના મંદિરે બાળક આવે છે ત્યારે શિક્ષક સસ્મિત વદને પ્રેમનો ઘંટ વગાડે છે.અને વહાલની આરતી ઉતારે છે.જાણે બાળ જીવનનો પુજારી બને છે. એટલે જ સરસ્વતી મંદિરમાં મૂલ્ય  શિક્ષણનો પ્રસાદ પામી આ નાના નાજૂક પગ હવે જગતમાં ક્રાંતિ ખેડવા સક્ષમ બને છે. કારણકે તેના વ્યક્તિત્વમાં એક ચાણક્ય એ ચમત્કાર સર્જ્યો હોય છે.તેના શિક્ષણમાં સુરજનું તેજ અને મેઘધનુષ્યના રંગો ભર્યા હોય છે,કોયલના ટહુકા અને મોરના નર્તન આલેખ્યા હોય છે.ફૂલોની સુવાસ અને સાગરની વિશાળતા ગૂંથી હોય છે. નદીની નિષ્ઠા અને પર્વતની અડગતા ટાંકી હોય છે અને એ રીતે અેક માનવીની ચેતનાનું ચૈતન્ય સર્જાયું હોય છે.
આજે પમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. જે હકીકતમાં આપણા રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મદિવસ. આપણા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એક શિક્ષક હતાં અને પોતાની કાબેલિયતથી રાષ્ટ્રપતિ સુધીનો પોતાનો જીવન પ્રવાહ નિર્માણ કરી શક્યા હતા. તેઓશ્રીનો જન્મ ૫ મી સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ તિરૂત્તાની, તમિલનાડુ,ભારતમાં થયેલ. તેઓએ તત્વજ્ઞાન વિષયમાં પીએચડી સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ.તેઓ ૨૦મી સદીના ધર્મ અને તત્વજ્ઞાનના એવા જાણીતા વિદ્વાન હતાં કે જેઓએ પૂર્વ અને પશ્ચિમી તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કરેલ.તેમના વિદ્યાર્થીઓએ જ્યારે તેમના જન્મદિવસની ઉજવણી કરવાની ઈચ્છા દર્શાવેલી ત્યારે તેમણે ભારતભરના શિક્ષકો માટેના દિનની ઉજવણીની વાત કરી અને ત્યારથી આપણે શિક્ષકદિન ઉજવીએ છીએ.
એક ઉત્તમ શિક્ષક એટલે એક વૈજ્ઞાનિક કે જે બાળ માનસને સમજે છે અને સમજાવે છે. એક ઇતિહાસકાર જે ઇતિહાસની ઇંટ મુકે છે. એક ચિત્રકાર જે બાળકના જીવનમાં રંગ પૂરે છે. એક કવિ જે બાળકને કલ્પનાઓની પાંખ આપી એની જિજ્ઞાસાને ઉત્તેજન આપે છે. એક શિલ્પી જે બાળકનું વ્યક્તિ તરીકે ઘડતર કરે છે. એક બાહોશ ખેલાડી જે બાળક સાથે રમે છે. એક ગાયક જે બાળકો માટે ગીતો બનાવે છે અને તેની સાથે ગાય છે. એક ઉત્તમ સર્જક જે બાળકો માટેનું પાઠ્યક્રમ રચે છે અને વિવિધ પદ્ધતિથી ચરિતાર્થ કરે છે.  એક પાક્કો નિશાનેબાજ જે બાળકના શિક્ષણ માટેના પૂર્વ આયોજિત સર્વ હેતુઓ સિદ્ધ કરે છે. એક વિધાતા જે બાળકના જીવનના પડાવો નક્કી કરે છે.
હા હું આ બધું જ એક સાચાં શિક્ષક માટે અંગૂલિનિર્દેશ કરી રહી છું. આવો આજે આપણે શિક્ષકદિનનાં અવસર પર આપણી પ્રતિભા વધારવા હંમેશા પ્રયત્નશીલ બનીએ દેશની શાન વધારીએ અને આપણા શિક્ષકનું મસ્તક ગર્વથી ઉંચુ કરીએ.અને ગુરુ દક્ષિણનું ૠણ ચુકવીએ.
“મેં તો હંમેશાં હવામાં મહેલ રચ્યા 
એની નીચે નક્કર પાયા તો મારાં 
શિક્ષકોએ રચ્યાં”
  • લેખક :- એકતા ઠાકર – આચાર્યશ્રી બામણગામ પ્રાથમિક કન્યા શાળા, બામણગામ
    તાલુકો :- આંકલાવ, જિલ્લો :- આણંદ