શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી, આંદોલનની આપી ચીમકી

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની પડતર માગણીઓનો ઉકેલ ન આવતાં શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. શિક્ષકોએ પગારના તફાવત અને સળંગ નોકરીની માગને લઇને સરકારમાં અનેક રજૂઆત કરી હતી, પરંતુ સરકાર દ્વારા શિક્ષકોની માગ ન સંતોષાતા શિક્ષકોએ બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાના કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શિક્ષકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા હકારાત્મક વલણ દર્શાવ્યું હતું  જેના કારણે શિક્ષકો દ્વારા પેપર તપાસવાના કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો હતો.

હજુ સુધી શિક્ષકોની પડતર માગણીઓ નહીં સંતોષાતા શિક્ષકોએ અમદાવાદમાં સામાન્ય સભામાં પોતાની પડતર માગણીઓ વહેલી તકે સંતોષાય તે માટે સરકારને અલ્ટીમેટમ આપ્યું અને કહ્યું હતું કે વહેલીતકે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની માંગણી પુરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.

શિક્ષકોએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમે પરીક્ષા કાર્યનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ તે સમયે સરકારના આગ્રહથી અને વિદ્યાર્થીના ભાવિને ધ્યાન રાખીને ઝડપથી પરિણામ મળે તે માટે અમે પરીક્ષણ કાર્ય પૂર્ણ કર્યું છે. અત્યારે વેકેશનનો માહોલ છે અને મે મહિનામાં શાળાઓ શરૂ થશે ત્યારે સરકારે અમને કીધું છે, કે તમારા પ્રશ્નો ઉકેલાશે અને જો અમારા પ્રશ્નો નહીં ઉકેલાય તો મહામંડળ લેવલે અમારી મિટિંગ થશે અને એમાં અમે કાર્યક્રમ આપીશું. અમે સૌ પ્રથમ ગાંધીચીંધ્યા માર્ગે રજૂઆત કરીશું અને જો ઉકેલ ન આવે તો શાળા બંધ કરવા સુધીના કાર્યક્રમો અમે આપીશું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાત